નવી દિલ્હીઃ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 સામે ચાલી રહેલો વિરોધ હવે એક નવા રાજકીય અને સામાજિક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. E20 જનતા પાર્ટી નામે ચાલી રહેલું આ અભિયાન હાલમાં ઝડપથી ચર્ચામાં આવી રહ્યું છે. પાર્ટીએ સંસદ સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મિડિયા પર E20 જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેના અભિયાનને પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
E20 જનતા પાર્ટીનું કહેવું છે કે હાલની ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિમાં અનેક ખામીઓ છે. પાર્ટીનો દાવો છે કે જો નીતિમાં સુધારા કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 80 થી રૂ. 90 સુધી લાવી શકાય છે. પાર્ટીનું એ પણ કહેવું છે કે વધુ સારી નીતિ દ્વારા ખેડૂતોને પણ વધુ લાભ મળી શકે છે. તેમનું માનવું છે કે આ સમય નીતિની ખામીઓને દૂર કરવાનો છે, તેનો બચાવ કરવાનો નહીં. આ મુદ્દાને લઈને પાર્ટી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની પણ માગ કરી રહી છે.
પરિવહન ક્ષેત્રમાંથી અભિયાનને સમર્થન
આ અભિયાનને પરિવહન ક્ષેત્રમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. દિલ્હી ટેક્સી એન્ડ ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટુર ઓપરેટર્સ એસોસિયેશને E20 પેટ્રોલ સામે ચોથી ઓગસ્ટે સંસદ સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે.

E20 જનતા પાર્ટીની મુખ્ય માગ
E20 જનતા પાર્ટીની મુખ્ય માગ એ છે કે દેશભરમાં E0 પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે અને લોકોને પોતાની પસંદનું ઈંધણ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવે. પાર્ટી ઈચ્છે છે કે ગ્રાહકોને E0, E20 અને E85 જેવા વિકલ્પોમાંથી કોઈ પણ એક પસંદ કરવાની સ્વતંત્રતા મળે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ગાડી માટે શુદ્ધ પેટ્રોલ એટલે કે E0 ઇચ્છે તો તેને તે ખરીદવાની મંજૂરી હોવી જોઈએ.
ટેક્સી અને પરિવહન સંગઠનોએ મુદ્દાને ગંભીર ગણાવ્યો
ટેક્સી અને પરિવહન સંગઠનોએ પણ આ મુદ્દાને ગંભીર ગણાવ્યો છે. એસોસિયેશનના અધ્યક્ષ સંજય સમ્રાટે જણાવ્યું છે કે દેશભરના ટેક્સી ડ્રાઈવરો, બસ સંચાલકો, ટૂરિસ્ટ વાહન માલિકો, ટ્રાન્સપોર્ટરો, ઓટો ચાલકો અને ટૂર ઓપરેટરો ચોથી ઓગસ્ટ, 2026એ પહેલા જંતર-મંતર ખાતે વિશાળ પ્રદર્શન કરશે અને ત્યાર બાદ સંસદ તરફ માર્ચ કરશે.




