પટનાઃ બિહારમાં તમામ પક્ષો અતિ પછાત વર્ગ (EBC)ને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજ્યની 36 ટકા વસતિ ધરાવતા આ વર્ગના મત જે પક્ષને મળશે, સત્તા પણ તેની જ બનશે. મુઝફ્ફરપુરના 50 વર્ષીય નરેશ સહની કહે છે કે જેને આ 36 ટકા વસ્તીના મત મળશે, સરકાર તેની જ બનશે. તેઓ જે 36 ટકાનો ઉલ્લેખ કરે છે તે બિહારના અતિપછાત વર્ગ ઈબીસીનો છે. આ વર્ગમાં 100થી વધુ નાની જાતિઓનો સમાવેશ થાય છે, જેમાં આશરે 10 ટકા મુસ્લિમ અતિ પછાત સમુદાય છે. સહની પોતે પણ મલ્લાહ (સહની) સમુદાયમાંથી આવે છે, જેમાં આશરે 20 ઉપજાતિઓ છે. “પંચપનિયા” તરીકે ઓળખાતા આ વર્ગોને રાજકીય રીતે લલચાવવાનો જોરદાર પ્રયાસ ચાલી રહ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ CM કર્પૂરી ઠાકુરના ગામથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ગયા વર્ષે કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી નવાજ્યા હતા. નાઈ જાતિના ઠાકુર બિહારના પ્રખ્યાત ઈબીસી નેતા હતા.
JDUએ સપ્ટેમ્બરમાં “અતિપછાત સંવાદ રથયાત્રા” શરૂ કરી, તો RJD ધાનુક સમુદાયના મંગનીલાલ મંડલને બિહાર પ્રમુખ બનાવ્યા. કોંગ્રેસે પણ પહેલી વાર અતિપછાત વર્ગ પ્રકોષ્ઠની રચના કરી, જેનું નેતૃત્વ કુંભાર જાતિના શશિભૂષણ પંડિત કરે છે. રાહુલ ગાંધીએ પણ આ વર્ગના સભ્યો સાથે મુલાકાત કરી. મહાગઠબંધનમાં મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને તાંતી સમુદાયના આઈ.પી. ગુપ્તા પણ ઈબીસી જાતિઓને એકત્ર કરવાની કોશિશમાં હતા.
ઈબીસી વર્ગમાં 100થી વધુ જાતિઓ છે — જેમા મોટા ભાગે બઢઈ, કુંભાર, લોહાર, નાઈ અને ધોબી સામેલ છે. અન્ય નાના સમુદાયોમાં તેલી 2.81 ટકા, મલ્લાહ 2.6 ટકા, કનુ 2.21 ટકા અને ધાનુક 2.13 ટકા છે — કુલ મળી આશરે 120 ઉપજાતિઓનો મોટો સમૂહ છે.


