વિશ્વભરમાં ફરી એકવાર જીવલેણ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. આફ્રિકાના મધ્ય અને પશ્ચિમ દેશોમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલા અને જીવલેણ સાબિત થઈ રહેલા ઇબોલા વાયરસ (Ebola Virus) ને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વૈશ્વિક સ્તરે હેલ્થ ઇમરજન્સી (Global Health Emergency) ની જાહેરાત કરી દીધી છે. આ વૈશ્વિક સંકટને જોતા ભારત સરકાર પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશવ્યાપી હેલ્થ એડવાઇઝરી જારી કરીને હાઇ-એલર્ટ જાહેર કર્યું છે. નવી માર્ગદર્શિકા અનુસાર, દેશના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દરિયાઈ બંદરો પર વિદેશથી, ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું કડક સ્ક્રીનિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્રને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કડક સૂચનાઓ અપાઈ છે.

આફ્રિકામાં ભારે તબાહી: 130 થી વધુ લોકોના મોત
હાલમાં ઇબોલા વાયરસ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશો જેવા કે કોંગો, યુગાન્ડા, સુદાન, ગિની, લાઇબેરિયા અને સિએરા લિયોનમાં આતંક મચાવી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ દેશોમાં ઇબોલાની ચપેટમાં આવવાથી અત્યાર સુધીમાં 130 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે આશરે 500 થી વધુ લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત છે. આ પરિસ્થિતિને જોતા ભારત સરકારે આ દેશોમાંથી સીધા આવતા અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ થઈને ભારત પહોંચતા મુસાફરો પર વિશેષ નજર રાખવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો વાયરસના વાહક બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Death toll due to Ebola outbreak rises to 136 in Congo.
▪️Health Minister Roger Kamba informed this amid the deadly virus that has gripped the eastern part of the country.
▪️Congolese health authorities stated the country has recorded 543 suspected cases and 32 confirmed…
— All India Radio News (@airnewsalerts) May 20, 2026
લક્ષણો દેખાય તો તરત જ એક્શન: હેલ્થ મિનિસ્ટ્રીની અપીલ
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે, જો આ પ્રભાવિત દેશોમાંથી આવતા કોઈપણ મુસાફરમાં સંક્રમણના મામૂલી લક્ષણો પણ દેખાય, તો ઇમિગ્રેશન ચેકિંગ પહેલા જ એરપોર્ટ પર બનેલા હેલ્પ ડેસ્ક અથવા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવો અનિવાર્ય રહેશે. આ સાથે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેઓ કોઈપણ રીતે કોઈ ઇબોલા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તો સ્વેચ્છાએ સ્વાસ્થ્ય સત્તાવાળાઓને તેની જાણ કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે જો ઇબોલાને લઈને જરા પણ બેદરકારી દાખવવામાં આવશે, તો તે કોરોના મહામારીની જેમ જંગલી આગની જેમ ફેલાઈ શકે છે અને અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે બોલાવી હાઇ-લેવલ મીટિંગ
ભારત માટે રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી ઇબોલા વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે, ભવિષ્યના જોખમને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઇ-લેવલ બેઠક યોજી હતી. આ મીટિંગમાં તમામ રાજ્યોને સંક્રમણનો સામનો કરવા માટે અગાઉથી જ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર તરફથી તમામ રાજ્ય સરકારોને એક વિશેષ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ સોંપવામાં આવી છે. આ SOP માં એરપોર્ટ સ્ક્રિનિંગ, ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ, કેસ મેનેજમેન્ટ, આઇસોલેશન, રેફરલ સિસ્ટમ અને લેબ ટેસ્ટિંગની પ્રક્રિયાઓ સામેલ છે.
ખૂબ જ ઘાતક છે આ વાયરસ, જાણો તેના મુખ્ય લક્ષણો
જૈવિક દ્રષ્ટિએ, આ વાયરસ ‘ઓર્થોઇબોલાવાયરસ’ (Orthoebolavirus) પરિવારનો એક ઝૂનોટિક (Zoonotic) વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને તે માનવ શરીર માટે અત્યંત ઘાતક માનવામાં આવે છે.
સંક્રમિત થવા પર દર્દીને અચાનક તીવ્ર તાવ આવે છે.
શરીરમાં ભારે નબળાઈ, અત્યંત થાક, અસહ્ય માથાનો દુખાવો અને ગળામાં ખરાશ થાય છે.
સ્નાયુઓ અને સાંધાઓમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે.
રોગ વધવાની સાથે ઉલ્ટી અને ઝાડા (ડાયેરિયા) ની સમસ્યા થાય છે.
આ રોગનું સૌથી મુખ્ય અને ડરામણું લક્ષણ એ છે કે દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગો (જેમ કે નાક, કાન કે આંખ) માંથી કોઈ પણ કારણ વગર અચાનક લોહી વહેવા (Bleeding) લાગે છે, જે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરનું કારણ બને છે.

