મુંબઈઃ EDએ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના મુંબઈ સ્થિત 3716 કરોડ રૂપિયાના મૂલ્યના નિવાસસ્થાન ‘અબોડ’ને મની લોન્ડરિંગવિરોધી કાયદા હેઠળ જપ્ત કરી લીધું છે, એમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. આ ભવ્ય મકાન 66 મીટર ઊંચું અને 17 માળનું છે અને મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે, જેથી તેમની ગ્રુપ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા થયેલા કથિત બેંક છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા આ મલ્ટિ-સ્ટોરી મકાનને એટેચ (જપ્ત) કરી શકાય. તેમણે જણાવ્યું કે એટેચ કરાયેલી સંપત્તિની કિંમત 3716.83 કરોડ રૂપિયા છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.
આ કેસમાં 66 વર્ષીય અંબાણીની બીજા રાઉન્ડની પૂછપરછ માટે અહીં ફેડરલ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની શક્યતા છે. તેમણે પ્રથમ વખત ઓગસ્ટ, 2025માં ED સમક્ષ હાજરી આપી હતી અને PMLA હેઠળ તેમનું નિવેદન નોંધાયું હતું.

નવા ઓર્ડર સાથે આ કેસમાં અત્યાર સુધી એટેચ કરાયેલી કુલ સંપત્તિની કિંમત અંદાજે 15,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને આંચકો આપતાં સોમવારે સિંગલ પીઠ દ્વારા આપવામાં આવેલા વચગાળાના આદેશને રદ કરી દીધો હતો. તે વચગાળા આદેશમાં તેમના તથા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના બેંક ખાતાંઓને “ફ્રોડ” તરીકે વર્ગીકૃત કરવાની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અનખડની ખંડપીઠે જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો અને હિસાબી સલાહકાર કંપની BDO ઈન્ડિયા LLP દ્વારા ડિસેમ્બર 2025માં આપવામાં આવેલા સિંગલ પીઠના વચગાળાના આદેશ સામે દાખલ અપીલ સ્વીકારી આ નિર્ણય આપ્યો હતો.


