નવી દિલ્હીઃ EDએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP) રાજીવકુમારને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. નવી અરજીમાં EDએ બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. તપાસ એજન્સીનો દાવો છે કે ચૂંટણી સલાહકાર ફર્મ I-PACના કાર્યાલય પર કરાયેલી દરોડા અને તપાસ દરમિયાન બંગાળ પોલીસના અધિકારીઓએ સહકાર આપ્યો નહોતો અને તપાસમાં અડચણ ઊભી કરી હતી.
કેન્દ્રીય એજન્સીએ સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) તથા ગૃહ મંત્રાલયને નિર્દેશ આપવાની પણ માગ કરી છે.
એ દરમ્યાનકોલકાતામાં I-PACના કાર્યાલયમાં ED દ્વારા કરાયેલી દરોડામાં પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી દ્વારા અડચણ ઊભી કરવામાં આવી હોવાના EDના આરોપ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. EDએ આ કથિત દરોડા કોલસા કૌભાંડના મામલે પાડ્યા હતા. આ મામલે મમતાએ કોલકાતા હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ બુધવારે હાઇકોર્ટએ EDની અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ શો નિર્ણય આપે છે તેની તરફ સૌની નજર છે.
ન્યાયાલયની કેસ યાદી અનુસાર ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરી શકે છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં એક ‘કેવિયેટ’ દાખલ કરી છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે ગયા સપ્તાહે રાજકીય સલાહકાર ફર્મ I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) સામે EDની દરોડા બાબતે સરકારનો પક્ષ સાંભળ્યા વગર કોઈ પણ આદેશ પસાર ન કરવામાં આવે.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વાદી દ્વારા ‘કેવિયેટ’ એ માટે દાખલ કરવામાં આવે છે કે તેની વાત સાંભળ્યા વિના તેના વિરુદ્ધ કોઈ પણ પ્રતિકૂળ આદેશ ન આપવામાં આવે.




