દિલ્હી બ્લાસ્ટના ટેરર ફંડિંગ પર EDનો સકંજો

નવી દિલ્હીઃ દિલ્હી કાર બ્લાસ્ટ અને ફરીદાબાદ ટેરર મોડ્યુલની તપાસમાં હવે તપાસ એજન્સી ED પણ જોડાઈ ગઈ છે. EDએ આજે સવારે હરિયાણામાં આવેલી અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ફંડિંગ નેટવર્કની તપાસ શરૂ કરતાં દિલ્હી-NCRમાં ઓછામાં ઓછાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. સવારે પાંચ વાગ્યે શરૂ થયેલી આ કાર્યવાહી યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓના સ્થાનોમાં કરવામાં આવી, કારણ કે ધરપકડ કરાયેલા અનેક સંદિગ્ધોના આ યુનિવર્સિટી સાથે સીધાં જોડાણો બહાર આવ્યાં છે.

લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટના અનેક સંદિગ્ધોનું આ યુનિવર્સિટી સાથે જોડાણ રહ્યું છે. આ બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા. દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન્નબી અલ-ફલાહ યુનિવર્સિટીની વિદ્યાર્થી હતો. એ સિવાય, અન્ય કેટલાક ડોક્ટરોને પણ આ જ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાના સંદેહમાં ઝડપવામાં આવ્યા છે. આ યુનિવર્સિટી તપાસનું કેન્દ્ર બનીને ઉદભવ્યું છે. 13 નવેમ્બરે યુનિવર્સિટીને શો કોઝ નોટિસ જારી કરવામાં આવી હતી, કારણ કે તેને માન્યતા પ્રાપ્ત નથી અને તેણે માન્યતા માટે અરજી પણ કરી નથી. યુનિવર્સિટીની વેબસાઇટ પણ હટાવી દેવામાં આવી છે.

ફંડિંગ ચેનલ પર છે EDની તપાસનું ધ્યાન

EDનું મુખ્ય ધ્યાન તે સંદિગ્ધ નાણાં પર છે, જે આ સંસ્થા મારફતે મોકલવામાં આવ્યાં હતાં. ED તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીનાં ખાતાંઓ અથવા તેની સાથે સંકળાયેલી સંસ્થાઓનો ઉપયોગ હુમલાની યોજના બનાવવા અથવા તેને અમલમાં મૂકવા માટે નાણાં મોકલવામાં થયો હતો કે નહીં. અન્ય કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓ પણ ED સાથે મળીને આ આતંકી ફંડિંગના જાળને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હી પોલીસે ફરીદાબાદ ટેરર મોડ્યુલ તેમ જ છેતરપિંડી અને જાલસાજીના બે કેસોમાં યુનિવર્સિટીના ચાન્સેલરને બે સમન્સ મોકલ્યા છે. તપાસકર્તાઓનું કહેવું છે કે યુનિવર્સિટીના કાર્યપદ્ધતિ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓમાં જોવા મળેલી અનેક ગેરરીતિઓને સમજવા માટે ચેરમેનનું નિવેદન અત્યંત મહત્વનું છે. વિવાદો વચ્ચે, યુનિવર્સિટીએ તાજેતરમાં એક નિવેદન જાહેર કરી દિલ્હી બ્લાસ્ટની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે તે એક જવાબદાર સંસ્થા છે અને રાષ્ટ્ર સાથે છે.