નવી દિલ્હીઃ EDએ શુક્રવારે સવારે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અને આપના નેતા સંજીવ અરોડાના ઘર અને તેમની સાથે જોડાયેલાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ચંડીગઢના સેક્ટર-2 સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને EDની ટીમો પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20 ગાડીઓમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા માટે CIA અને સ્પેશિયલ ફોર્સના લગભગ ત્રણ ડઝન જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા. સવારે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું.
આ મામલાઓમાં કાર્યવાહી
EDની આ કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ, FEMA ઉલ્લંઘન, જમીન સંબંધિત મામલાઓ અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડની તપાસ અંતર્ગત કરવામાં આવી રહી છે. એજન્સીએ લુધિયાણા, જલંધર, ચંડીગઢ અને ગુરુગ્રામ સહિત અનેક શહેરોમાં પણ દરોડા પાડ્યા હતા. તપાસના દાયરામાં અરોડાનો પરિવાર અને તેમની કંપની સાથે જોડાયેલા કેટલીક ઓફિસો પણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દરોડા વખતે અરોડા દેશમાં હાજર નહોતા. તેઓ સત્તાવાર પ્રવાસે નેધરલેન્ડ્સના એમસ્ટરડમ ગયા છે. ત્યાં તેઓ ‘ઇન્વેસ્ટ પંજાબ’ કાર્યક્રમ હેઠળ પંજાબમાં રોકાણ લાવવા માટે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
બે-ત્રણ દિવસ તમાશો ચાલશે – સંજય સિંહ
આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આપ સાંસદ સંજયએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષના નેતાઓને બદનામ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનેએ પણ આ કાર્યવાહીને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
BJP का “सुपारी किलर” ED आज फिर पंजाब पहुँच गया है।
सरकार के कैबिनेट मंत्री @SanjeevArora_PB के घर छापेमारी शुरू हो गई है।
दो तीन दिन तमाशा चलेगा, फ़र्ज़ी ख़बरे चलेंगी सुपारी किलर वापस चले जायेंगे।
फिर मालिक के द्वारा उनको नया टास्क दिया जायेगा।
पंजाब की @BhagwantMann सरकार को…— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 9, 2026
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2024માં પણ EDએ સંજીવ અરોડા સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા। તે સમયે ઔદ્યોગિક જમીન ફાળવણીમાં થયેલી કથિત ગડબડોની તપાસ ચાલી રહી હતી. હવે ED વિદેશી ફંડ ટ્રાન્ઝેક્શન અને અન્ય આર્થિક મામલાઓની તપાસ કરી રહી છે. બીજી તરફ અરોડાએ કહ્યું છે કે જો તેમના વિરુદ્ધ કોઈ પણ ગેરકાયદે કામ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે.




