ટેરર ફંડિંગ મામલે EDના યુપી-બંગાળ સહિત પાંચ રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ EDએ ગુરુવારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કથિત ટેરર ફંડિંગ અને ગેરકાયદે ઘૂસણખોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી. આ દરોડા આજે સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળની જોગવાઈ મુજબ શંકાસ્પદોનાં સ્થાનો પર પાડવામાં આવ્યા હતા. EDની લખનૌ ઝોનલ ઓફિસની ટીમે રાજ્ય પોલીસના સહયોગથી નવી દિલ્હીના બટલા હાઉસ અને મદનપુર ખાદર, ઉત્તર પ્રદેશના સહારનપુર, મહારાષ્ટ્રના રાયગઢ તેમ જ પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, કોલકાતા અને મુર્શિદાબાદમાં તલાશી લીધી હતી.

EDની તલાશી કાર્યવાહી ચાલુ

EDની ટીમ મદનપુર ખાદરમાં આવેલી સન શાઇન હેલ્થ એન્ડ સોશિયલ વેલફેર સોસાયટી, નોર્થ 24 પરગણાની કબીરબાગ મિલ્લત એકેડમી અને હરોરાની અલ-જામિયાતુલ ઇસ્લામિયા દારુલ ઉલૂમ જેવી સંસ્થાઓ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓનાં સ્થળોએ પણ તલાશી ચલાવી રહી છે.

શું છે મામલો?

અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેસ ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વાડ (ATS) દ્વારા નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. આ FIR એવા સંગઠિત ગેંગ અંગે છે, જેના પર રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતની અંદર ગેરકાયદે રીતે પ્રવેશ અપાવવાનો, તેમનાં માટે નકલી ભારતીય ઓળખપત્રો તૈયાર કરાવવાનો અને દેશના વિવિધ ભાગોમાં તેમને વસાવવામાં મદદ કરવાનો આરોપ છે.

 

નાણાકીય નેટવર્કનો પર્દાફાશ

આ કેસની માહિતી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એક ઊંડે સુધી ફેલાયેલા નાણાકીય નેટવર્કનો ખુલાસો થયો છે. તેમાં કેટલીક ચેરિટેબલ ટ્રસ્ટો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેઓ પર વિદેશી ફંડિંગના મોટા પ્રમાણમાં નાણાં મેળવવાના અને અનેક બેંક ખાતાઓ, મ્યુલ એકાઉન્ટ્સ તથા બહુ-સ્તરીય નાણાકીય વ્યવહારો મારફતે આ રકમને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે વાપરવાના આરોપ છે. EDની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શંકાસ્પદ લાભાર્થીઓને રોકડ ઉપાડ અને નાની રકમના ટ્રાન્સફર મારફતે નાણાં પહોંચાડવામાં આવ્યા હતા.