નવી દિલ્હીઃ EDએ દેશનાં વિવિધ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 650 કરોડ રૂપિયાના સંભવિત નકલી GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવાઓ અને તે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનની તૈયારી ઘણા દિવસોથી ચાલી રહી હતી અને ગુરુવારની સવારે જ અનેક ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં એકસાથે કાર્યવાહી શરૂ કરી હતી. EDનું આ અભિયાન ગુવાહાટી કચેરીની આગેવાની હેઠળ ચાલી રહ્યું છે.
અરુણાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ અને તેલંગાણામાં અનેક સંવેદનશીલ સ્થળોએ તલાશી લેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ રાજ્યોમાં વિવિધ કંપનીઓ અને વેપારીઓ પર શંકા હતી કે તેઓ નકલી દસ્તાવેજો દ્વારા ટેક્સ ક્રેડિટનો દાવો કરી રહ્યા હતા અને પછી આ જ પૈસાને જુદી-જુદી ચેનલો મારફતે કાળાં નાણાંને વ્યહાઇટ બનાવવા ઉપયોગ કરી રહ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે દરોડાનો હેતુ માત્ર પુરાવા એકત્ર કરવો જ નથી, પરંતુ નેટવર્કનો પર્દાફાશ કરવો પણ છે, જેમાં વેપારીઓ, દલાલો અને શેલ કંપનીઓનો ઉપયોગ કરનારાઓ સામેલ હોઈ શકે છે. EDના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નકલી બિલો અને વ્યવહારો દ્વારા ટેક્સ ચોરી કરીને સરકારના ખજાનાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તલાશી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને વ્યવહારો સાથે સંબંધિત કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એજન્સીનું માનવું છે કે શરૂઆતના સ્તરે આ કૌભાંડ 650 કરોડ રૂપિયાનું છે, પરંતુ આગળની તપાસમાં આ રકમ વધુ પણ થઈ શકે છે.
