મુંબઈઃ મુંબઈ-ગોવા હાઈવેના નિર્માણમાં વિલંબ પાછળ અનેક મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓનાં નામ સામે આવ્યાં છે. તેમાં રાજસ્થાનના એક ભૂતપૂર્વ કોંગ્રેસી મંત્રી સાથે જોડાયેલી કંપની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની ડિફોલ્ટરોની યાદીમાં સામેલ એક કંપની, EDની તપાસનો સામનો કરી ચૂકેલા ઉદ્યોગપતિની કંપની અને મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહી ચૂકેલા એક ભૂતપૂર્વ અધિકારીના સાહસનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ આ કંપનીઓનો સંબંધ મુંબઈ-ગોવા હાઈવેના મહારાષ્ટ્રમાં આવેલા પાંચ એવા વિસ્તારો સાથે છે, જ્યાં હજુ સુધી નિર્માણકાર્ય પૂર્ણ થયું નથી. 592 કિલોમીટર લાંબા આ હાઈવેનું આશરે 8 કિલોમીટરનું કામ હજુ બાકી છે. આ કામ પૂર્ણ કરવા માટેના ખર્ચમાં રૂ. 2000 કરોડથી વધુનો વધારો થવાનો અંદાજ છે.
મુંબઈ-ગોવા હાઈવે ક્યારે પૂર્ણ થશે?
9 સપ્ટેમ્બરે ગોવાના પોરવોરીમમાં 5.15 કિલોમીટર લાંબા કોરિડોરના ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાઈવેના નિર્માણમાં થયેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વિલંબને કારણે તેમને ‘શરમ અનુભવાય છે’. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે હાઈવેના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજર રહેશે નહીં. મહારાષ્ટ્રમાં હાઈવેના 472 કિલોમીટર લાંબા હિસ્સામાં હજુ પણ કેટલાંક સ્થળોએ કામ બાકી છે.
મુંબઈ-ગોવા હાઈવેની યોજના સૌપ્રથમ 2006માં તૈયાર કરવામાં આવી હતી. મુંબઈ નજીક પનવેલથી કન્યાકુમારી સુધીના NH-66ને ચાર માર્ગીય બનાવવાની અને તેને આર્થિક કોરિડોર તરીકે વિકસાવવાની યોજનાના ભાગરૂપે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2016માં કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું હતું કે મુંબઈ-ગોવા હાઈવેનું નિર્માણ ડિસેમ્બર, 2018 સુધીમાં પૂર્ણ થઈ જશે. જોકે બાદમાં તેની સમયમર્યાદા વધારીને 2021 કરવામાં આવી હતી. તેમ છતાં કામની ગતિ ધીમી રહી હતી. હાઈવેના કેટલાક અધૂરા કામ માટે ફરીથી ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. આ પૈકીનો એક કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2025માં પણ આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના હાઈવે નિર્માણની કુલ અંદાજિત કિંમતમાં અત્યાર સુધીમાં આશરે 44 ટકાનો વધારો થયો છે. અગાઉ આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 12,532 કરોડ હતો, જે હવે વધીને રૂ. 18,100 કરોડથી વધુ થઈ ગયો છે.

વિલંબ પાછળનાં મુખ્ય કારણો
- કંપનીઓ પાસે નાણાંની અછત.
- બેંકની લોન ચૂકવવામાં નિષ્ફળતા.
- જમીન સંપાદનમાં વિલંબ.
- સ્થાનિક લોકોનો વિરોધ.
- નિર્માણ યોજનામાં વારંવાર ફેરફાર.






