ગોળીબારની ઘટના બાદ એકનાથ શિંદે ટાઈગર શ્રોફના ખબર અંતર પૂછયા

મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અહેવાલ મુજબ, રવિવારે સાંજે મોટરસાઇકલ પર આવેલા ત્રણ શખ્સોએ ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવર ફિરદૌસ સહિત બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટાઇગર શ્રોફ અને તેમના પરિવાર સાથે વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

(Photo: IANS)

એકનાથ શિંદેએ IANS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટાઇગર શ્રોફ સાથે બનેલી ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર છે. વીડિયો જોતા જાણવા મળ્યું કે આશરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમનો ડ્રાઇવર ઘાયલ થયો હતો. ભગવાનની કૃપાથી ટાઇગર શ્રોફ સુરક્ષિત બચી ગયા છે, જે મોટી રાહતની વાત છે. તેમણે આ પ્રકારની હિંસક ઘટનાની સખત નિંદા કરી હતી.

શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે ટાઇગર શ્રોફ અને તેમના પરિવાર સાથે વાત કરી છે. તેમના ડ્રાઇવરના જમણા હાથમાં ઈજા થઈ છે. આ ઘટનાને કારણે ટાઇગરનો પરિવાર, ખાસ કરીને તેમની માતા ખૂબ જ ચિંતિત છે. પરિવારને એ વાતની ચિંતા છે કે કોઈએ તેમના પર હુમલો શા માટે કર્યો, જ્યારે તેમની કોઈની સાથે દુશ્મની કે અદાવત હોવાની જાણ નથી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતાં પોલીસ સતર્ક

આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનામાં કોઈપણ ગેંગની સંડોવણી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે મુંબઈમાં ફરીથી ગેંગવોરને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ અને સરકાર ગુનેગારોની મનમાની સહન નહીં કરે. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. શિંદેએ તમામ સેલિબ્રિટીઓને અપીલ કરી હતી કે જો તેમને આવી કોઈ ધમકીભર્યા કૉલ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. મુંબઈ પોલીસે હુમલાખોરોને પકડવા માટે અનેક ટીમો બનાવી છે. ફાયરિંગ માટે જવાબદાર લોકોને શોધીને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રિયા સુળેએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે લખ્યું હતું કે મુંબઈમાં ફાયરિંગ દરમિયાન અભિનેતા ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યભરમાં સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે.

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસ કમિશનરને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.