એકતાનગરમાં વડાપ્રધાનના હસ્તે ₹9.49 કરોડના ‘રેઈન ફોરેસ્ટ’નું લોકાર્પણ

એકતાનગર (કેવડિયા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આસપાસ પ્રવાસીઓ માટે સતત નવા આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે. આ જ કડીમાં હવે પ્રવાસીઓ માટે એક અદ્ભુત અને નવલું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટરના ભવ્ય વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આત્યાધુનિક ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.આ રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસન (Sustainable Tourism)નો એક અનોખો સમન્વય રજૂ કરે છે. પ્રકૃતિના સાનિધ્યમાં આવતા પ્રવાસીઓને અહીં એક અદ્ભુત અને યાદગાર અનુભવ મળશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 220 મીટર લાંબો ‘ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ’ છે, જેના પરથી પ્રવાસીઓ જંગલના અદ્ભુત નજારાનો થ્રિલિંગ અનુભવ માણી શકશે.

આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે પ્રવાસીઓને ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સમૃદ્ધ તથા વૈવિધ્યસભર સદાબહાર (Evergreen) વનસ્પતિઓને એક જ સ્થળે નિહાળવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત, કુદરત અને પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક ખાસ ‘ઇન્ફોર્મેશન સેન્ટર’ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના આધુનિક માધ્યમથી વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવશે.

એકતાનગરનું આ નવું રેઇન ફોરેસ્ટ માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ પર્યાવરણ શિક્ષણ અને સંરક્ષણની દિશામાં પણ એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.