આણંદ: આણંદ ખાતે પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯મી જન્મજયંતી મહોત્સવની ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને મન, વચન તથા કર્મથી માનવ કલ્યાણની સેવા કરવા માટેના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
મહોત્સવની શરૂઆત પૂજ્ય મોટા ભાઈના આગમન બાદ ભગવંતો અને દાદાને વંદન, ત્રિમંત્રના પઠન અને નમસ્કાર વિધિ સાથે થઈ હતી. પૂજ્ય દ્વારા જન્મજયંતીનો વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉપસ્થિત સૌએ ભાવનાની સામાયિક કરી હતી. સ્ટેજની મધ્યમાં બિરાજમાન દાદાશ્રીની મૂર્તિ તેમજ દાદા-નીરુમાની છબીનું ભાવપૂર્વક પૂજન કર્યા બાદ ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પૂજ્યશ્રી સાથે જોડાઈને આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે સૌ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા અને પૂજ્યને પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કર્યું હતું, જ્યારે પૂજ્યના હસ્તે મુખ્યમંત્રીને ‘શંકા બુક’ (Shanka Book) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીએ આગામી જન્મજયંતી મહોત્સવ જામનગર ખાતે ઉજવવાની જાહેરાત કરી હતી, જેને પગલે જામનગરના મહાત્માઓએ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
આ ભવ્ય મહોત્સવમાં મંત્રી રમણભાઈ સોલંકી, પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધા, સાંસદ મિતેશભાઈ પટેલ, મેયર દિપીકાબેન પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, હર્ષદભાઈ પરમાર, વિપુલભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, મ્યુનિસિપલ કમિશનર આર.એન. ડોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહાત્માઓ તથા મુમુક્ષુઓએ હાજરી આપી હતી.




