બિહારમાં SIRને મુદ્દે ચૂંટણી પંચ, ભાજપની મિલીભગતઃ તેજસ્વી યાદવ

પટનાઃ બિહારમાં SIR વિશે ચાલતા રાજકીય વિવાદ વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે એક વાર ફરી ચૂંટણી પંચ અને ભાજપ પર આરોપ લગાવ્યા છે. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે SIRનો મામલો સુપ્રીમ કોર્ટમા ચાલી રહ્યો છે અને ગઇ કાલે જેનાં નામ SIRમાં મૃતક રૂપે નોંધાયા હતા, તેમને કોર્ટમા જીવંત રૂપે પેશ કરાયા. આ ગંભીર મામલો છે, જેને લોકો વોટ ચોરી કહી રહ્યા છે, પરંતુ ભાજપના ઈશારાએ ચૂંટણી પંચ વોટ ચોરીમાં લાગેલું છે. હવે જ્યારે સચ્ચાઈ સામે આવી રહી છે ત્યારે ભાજપ ચૂપ છે. પહેલાં ભાજપ પાસે ચૂંટણીમાં ગેરરીતિ કરવાની ફોર્મ્યુલા હતી, જેમાં CBI અને ED ને લગાડવામાં આવતા હતા, પણ જ્યારે આ બધી એજન્સીઓ ફેલ થઈ ગઇ, ત્યારે ચૂંટણી પંચને આગળ કરવામાં આવ્યો.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2020માં પણ ચૂંટણી પંચે વોટ ચોર્યા હતા. અમને 10 સીટો પર 12,000 વોટોના અંતરથી હરાવવામાં આવ્યા હતા. ચંડીગઢ મેયર ચૂંટણીમાં CCTV હોવા છતાં પણ ચૂંટણી પંચે CCTV જ હટાવી દીધા. દેશની જનતા બધું સમજે છે. ચૂંટણી પંચ માત્ર ભાજપનો સાથ આપી રહ્યો છે. વિપક્ષના વોટ ઘટાડી રહ્યો છે અને એક જ વિધાનસભા વિસ્તારમાં ભાજપવાળાઓ માટે બે EPIC નંબર બનાવી રહ્યો છે.

હવે ગુજરાતના લોકો બિહારના વોટર

તેજસ્વી યાદવે કહ્યું હતું કે હવે ગુજરાતના લોકો બિહારના વોટર બની રહ્યા છે. ભાજપના પ્રભારી ભિખુભાઈ દલસાણિયા પટનાના વોટર બની ગયા છે. તેમણે છેલ્લો વોટ 2024માં ગુજરાતમાં આપ્યો હતો, પરંતુ તેઓ હજુ પણ પટનાના વોટર છે. ગુજરાતમાં તેમનું નામ કાઢી દીધું હતું, બિહાર ચૂંટણી પૂર્ણ થઈ જશે ત્યારે નામ કપાવી ને તેઓ ક્યાં જશે? આ એક કાવતરું છે જે તમામે સમજવું જોઈએ. ભાજપ ચૂંટણી પંચની મિલી ભગતથી મોટા પાયે બેઇમાની કરી રહી છે.