નવી દિલ્હીઃ ચૂંટણી પંચે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા હેઠળ દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી છે. પંચે કહ્યું છે કે તમામ મતદાતાઓ વધારેલી સમયમર્યાદાનો લાભ લેતાં પોતાના SIR સંબંધિત કામ ઝડપથી પૂર્ણ કરી લે.
પંચે ઉત્તર પ્રદેશ માટે SIRની તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી છે. પંચે કહ્યું હતું કે દેશનાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા હેઠળ રાજકીય પક્ષોના BLAને ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડતાં પહેલાં મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા અને ગેરહાજર મતદારોની યાદી આપવામાં આવશે.
આ રાજ્યોમાં ડેડલાઇન વધારી
ચૂંટણી પંચે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ડેડલાઇન વધારી છે, તેમાં યુપી ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ અને આંદામાનનો સમાવેશ થાય છે.
16 ડિસેમ્બર હતી ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થવાની તારીખ
આ છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગણતરીનો સમય 11 ડિસેમ્બર, 2025 સુધી હતો અને ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત કરવાની તારીખ 16 ડિસેમ્બર, 2025 હતી. ગોવા, ગુજરાત, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માટે ગણતરીનો સમય 11 ડિસેમ્બર સુધી છે. આ રાજ્યોમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ 16 ડિસેમ્બર, 2025એ પ્રકાશિત કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે બંગાળ માટે ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારની મુદતવધારાની જાહેરાત કરી નથી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ને સૂચના આપી છે કે હાઈ-રાઈઝ ઇમારતો અને સોસાયટીઝમાં રહેતા મતદારોની સુવિધા માટે નવાં મતદાન કેન્દ્રો રચવામાં આવે.
ચૂંટણી પંચે રાજ્યના CEOને એ પણ કહ્યું છે કે કોઈ પણ મતદાન કેન્દ્ર પર 1200થી વધારે મતદારો ન હોય તે ખાતરી કરવામાં આવે. પંચે પશ્ચિમ બંગાળના CEOને 31 ડિસેમ્બર સુધી આવા મતદાન કેન્દ્રોની યાદી રજૂ કરવાની સૂચના આપી છે.




