નવી દિલ્હી: મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Courtએ) મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ પાસે SIR કરવાની સત્તા છે. SIR વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવા માટે ચૂંટણી પંચના અધિકારને યથાવત્ રાખ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ECIએ SIRનો ઉપયોગ કરીને પોતાની કાનૂની સત્તાની બહાર જઈને કોઈ કાર્યવાહી કરી હોવાનું કહી શકાય નહીં. આ પ્રક્રિયાને ‘અલ્ટ્રા વાયર્સ’ પણ કહી શકાય નહીં, કારણ કે આ કાર્યવાહી સામાન્ય રીતે અપનાતી પ્રક્રિયા કરતાં અલગ હોવા છતાં કાનૂની માળખાની અંદર છે.
CJI સૂર્યકાંતે જણાવ્યું કે તમામ પક્ષોની દલીલો, ઘટનાઓનો ક્રમ અને રેકોર્ડ પર રહેલી સામગ્રીનું વિશ્લેષણ કર્યા બાદ કોર્ટ માને છે કે કેટલાક મુદ્દાઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે દેશનાં 19 રાજ્યોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવાનો માર્ગ મોકળો થયો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે ચૂંટણી પંચને બંધારણની કલમ 324 અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ મતદાર યાદીની તપાસ, સુધારા અને ચકાસણી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
SIR નોટિફિકેશનને પડકારતી અરજીઓ ફગાવી દેતાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે સ્વચ્છ, પારદર્શક અને અપડેટેડ મતદાર યાદી અત્યંત જરૂરી છે. આ નિર્ણયને ચૂંટણી સુધારાઓની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે SIR પ્રક્રિયા ચૂંટણી આયોગની સંવિધાનિક જવાબદારીનો ભાગ છે. અદાલતે માન્યું કે ફેક મતદાન, ડુપ્લિકેટ એન્ટ્રી અને મૃત્યુ પામેલા મતદારોનાં નામ દૂર કરવા માટે વિશેષ પુનઃ નિરીક્ષણ જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે કુલ 19 રાજ્યોમાં SIR પ્રક્રિયાને વધુ ઝડપથી આગળ વધારી શકાય છે. ચૂંટણી પંચ બૂથ સ્તરે ઘર-ઘર ચકાસણી અને ડિજિટલ રેકોર્ડ અપડેટ કરવાની તૈયારીમાં છે.



