ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટના વિવાદમાં મસ્કનો સીધો પ્રહાર

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તેમજ Space X ના વડા એલોન મસ્કે ભારતમાં પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા Starlink ના લોન્ચિંગમાં થઈ રહેલા વિલંબ અંગે મોટો વિવાદ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટનો જવાબ આપતાં મસ્કે સીધું જ પૂછ્યું છે કે, “Is Ambani the real boss of India?” (શું અંબાણી ભારતના અસલી બોસ છે?). આ સાથે જ તેમણે ભારતના ટેલિકોમ અને સેટેલાઇટ માર્કેટમાં ‘મોનોપોલી’ (એકાધિકાર) અને ક્રોની કેપિટલિઝમને લઈને ચર્ચા જગાવી દીધી છે.

5 વર્ષથી તમામ નિયમો પાળ્યા છતાં લાઇસન્સ કેમ નહીં?

મસ્કે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, Starlink ને વિશ્વના 165 થી વધુ દેશોમાં સેવાઓ આપવા માટે લાઇસન્સ મળી ચૂક્યું છે. ભારતમાં પણ તેમની કંપની છેલ્લા 5 વર્ષથી તમામ સરકારી કાયદાઓ અને જરૂરી શરતો પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં ભારતમાં હજુ સુધી લાઇસન્સ કેમ આપવામાં આવ્યું નથી? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.આ પહેલાં પણ મસ્કે કોઈપણ કંપનીનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે કેટલાક શક્તિશાળી ઉદ્યોગપતિઓ પોતાના એકાધિકારને બચાવવા માટે Starlink ની ભારતમાં એન્ટ્રી રોકી રહ્યા છે, જે ભારતના નાગરિકો માટે એક મોટો અન્યાય છે. પરંતુ હવે તેમણે સીધું જ મુકેશ અંબાણીનું નામ લેતાં ભારતીય બિઝનેસ વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.

દૂરદૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવાનો દાવો

એલોન મસ્ક આ સમગ્ર મુદ્દાને માત્ર પોતાની કંપનીના વ્યાપારિક હિત તરીકે રજૂ કરવાના બદલે દેશના સામાન્ય નાગરિકોના ડિજિટલ અધિકાર સાથે જોડી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, Starlink સેવા ખાસ કરીને ભારતના ગ્રામીણ, પહાડી અને અંતરિયાળ વિસ્તારો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યાં મોબાઈલ ટાવર અથવા ફાઈબર નેટવર્ક પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ છે.

ભારત સરકારનો સણસણતો જવાબ: “નિયમો બધા માટે સમાન”

એલોન મસ્કના તીખા પ્રહારો બાદ ભારત સરકારના સંચાર મંત્રાલયે ત્વરિત પ્રતિક્રિયા આપતાં તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સંચાર મંત્રાલય દ્વારા 8 October ના રોજ જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભારતનું સેટેલાઇટ કમ્યુનિકેશન રેગ્યુલેટરી ફ્રેમવર્ક સંપૂર્ણપણે નિષ્પક્ષ અને બિન-ભેદભાવપૂર્ણ છે.સરકારના જણાવ્યા મુજબ, દેશમાં કુલ 3 સેટેલાઇટ કમ્યુનિકેશન કંપનીઓને લાઇસન્સ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે અને આ ત્રણેય કંપનીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત શરતો પૂરી કરવી ફરજિયાત છે. હાલમાં આ ત્રણેય કંપનીઓની સુરક્ષા સમીક્ષા ચાલુ છે અને તેઓ તમામ એક જ રેગ્યુલેટરી સ્ટેજ પર છે. સુરક્ષા પ્રક્રિયા પૂરી થયા બાદ જ સ્પેક્ટ્રમ એલોકેશનના આગળના તબક્કામાં જઈ શકાશે. આથી નિયમોનો ઉપયોગ કોઈ એક કંપની સામે ભેદભાવ કરવા માટે થઈ રહ્યો હોવાનો દાવો બિલકુલ પાયાવિહોણો છે.