EPFOએ પીએફ ઉપાડના નિયમોમાં આપી રાહત

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના સભ્યોને મોટી રાહત આપતાં પીએફ ઉપાડ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે કર્મચારીઓ નિવૃત્તિ બાદ પોતાના પીએફની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે હપતામાં પણ મેળવી શકશે. આ માટે EPFO એક વ્યવસ્થિત ઉપાડ યોજના શરૂ કરશે. આ ઉપરાંત, પીએફ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ફરજિયાત મર્યાદા પણ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ ગુરુવારે યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આ નિર્ણયોથી નોકરી કરતા લોકોને નિવૃત્તિ બાદ પોતાની બચતનો ઉપયોગ કરવામાં વધુ સુવિધા મળશે. એ સાથે જ નોકરી છૂટી જાય ત્યારે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં.

નિવૃત્તિ બાદ હપતામાં ઉપાડી શકાશે પીએફની રકમ

EPFOના નવા પ્રસ્તાવ મુજબ હવે કર્મચારીઓ નિવૃત્તિ બાદ પોતાના પીએફ ખાતામાં જમા થયેલી સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે ખાતામાં રાખી શકશે. આ રકમ તેઓ પોતાની જરૂરિયાત મુજબ નિશ્ચિત સમયાંતરે હપતામાં ઉપાડી શકશે. આ વ્યવસ્થાને વ્યવસ્થિત ઉપાડ યોજના (SWP) કહેવામાં આવી રહી છે. તેનો લાભ એ થશે કે પીએફ ખાતામાં બાકી રહેલી રકમ પર અગાઉની જેમ EPFના પ્રવર્તમાન વ્યાજદર મુજબ વ્યાજ મળતું રહેશે. એટલે કે સભ્યો પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકશે અને બાકીની રકમ પર વ્યાજ પણ મળતું રહેશે. બોર્ડમાં ચર્ચાયેલા પ્રસ્તાવમાં ઉપાડના અનેક વિકલ્પો સામેલ છે. તેમાં સંપૂર્ણ રકમ હપ્તામાં ઉપાડવી, અમુક રકમ એકસાથે લઈને બાકીની રકમ હપતામાં મેળવવી અને માત્ર વ્યાજની રકમ ઉપાડવાનો વિકલ્પ સામેલ છે.

લગભગ બે મહિનામાં લાગુ થઈ શકે નવી વ્યવસ્થા

EPFOની આ નવી વ્યવસ્થા કર્મચારીઓ માટે લગભગ બે મહિનામાં લાગુ થઈ શકે છે. જોકે તેના માટે પહેલાં કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (Employees’ Provident Fund Scheme)માં જરૂરી સુધારા કરવામાં આવશે. નિયમોમાં ફેરફારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સભ્યો આ સુવિધાનો લાભ લઈ શકશે.