નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીનો આ તેમનો ભારતનો પહેલો પ્રવાસ છે. માનવામાં આવે છે કે છેલ્લા થોડા દિવસોમાં યુરોપના ઘણા રાજદૂતો અને અધિકારીઓએ ખાનગી રીતે ભારત સરકારને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે પુતિન પર દબાણ લાવવાની વિનંતી કરી છે.
અનેક યુરોપિયન દેશોના દૂતાવાસ અધિકારીઓ દ્વારા આ વાત સૌજન્યપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. તેઓ આ યુદ્ધને પોતાના અસ્તિત્વ અને યુરોપીય સુરક્ષા માટે ખતરો ગણે છે. સ્ત્રોતોએ જણાવ્યું છે કે આ યુરોપિયન રાજદૂતો અને રાજધાનીઓની તરફથી ભારતને મોકલાયેલા સંદેશનો સાર આ છે — પુતિન તમારા મિત્ર છે, તેઓ તમારી વાત સાંભળે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં ઉકેલ મળી શકતો નથી, તેથી કૃપા કરીને તેમને યુદ્ધ રોકવા કહો.
ભારતે બુખા હત્યાકાંડનો વિરોધ કર્યો હતો
યુરોપિયન દેશોનો આ સંદેશ ફેબ્રુઆરી, 2022માં યુદ્ધ શરૂ થતાં જ આપેલા સંદેશથી જુદો છે, જ્યારે તેમણે ભારતને યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની ટીકા કરવા કહ્યું હતું. એ સમયે અનેક યુરોપિયન નેતા અને વિદેશ મંત્રી દિલ્હી આવ્યા હતા અને ભારતને એક પક્ષ પસંદ કરવાની અપીલ કરી હતી.
ભારતે રશિયન આક્રમણની સ્પષ્ટ નિંદા કરવા ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે બુખા હત્યાકાંડ સામે અવાજ ઉઠાવ્યો હતો અને ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી હતી. રાજદ્વારી રીતે કડક વલણ અપનાવતાં ભારતે યુએનના યુક્રેન મુદ્દાના ઠરાવોમાં સતત ગેરહાજરી નોંધાવી હતી.
યુરોપથી આવેલો આ નવો સંદેશ એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે તેમાંના કેટલાક દેશ ભારતના ખૂબ નજીકના વ્યૂહાત્મક ભાગીદાર છે અને ઘણા અન્ય દેશો ભારતીય કામદારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે મહત્વના સ્થળ તરીકે ઊભર્યા છે. આ દેશો વિકાસના કેન્દ્ર અને ટેકનોલોજી તથા મૂડીના સ્ત્રોત પણ છે. હકીકતમાં, યુરોપીય સંઘના નેતાઓને 2026ની જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસ પરેડના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.


