કચ્છનો ‘ઇવોક ધોળાવીરા’ બન્યો IGBC ગ્રીન સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ રિસોર્ટ

કચ્છ: ‘ઇવોક ધોળાવીરા’ (Evoke Dholavira) રિસોર્ટને તેની ઉત્કૃષ્ટ પર્યાવરણીય ટકાઉપણું અને જવાબદાર સંસાધન વ્યવસ્થાપનની પદ્ધતિઓ માટે ખાસ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ રિસોર્ટને ‘IGBC ગ્રીન રિસોર્ટ સિલ્વર સર્ટિફિકેશન’ એનાયત કરવામાં આવ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના ભાગ એવા ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમદાવાદની ઇયેક વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડનું એક એકમ ‘ઇવોક ધોળાવીરા’ (Evoke Dholavira) રિસોર્ટ છે. કચ્છમાં યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સાઇટ – હડપ્પીય નગર ધોળાવીરાની નજીક આવેલો આ રિસોર્ટ, સમગ્ર કચ્છ પ્રદેશમાં આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ રિસોર્ટ બન્યો છે.

વૈજ્ઞાનિક વનીકરણ અને જળ વ્યવસ્થાપન

આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા તેની ટકાઉ લેન્ડસ્કેપ વ્યૂહરચના છે. રિસોર્ટના કુલ હરિયાળા (લેન્ડસ્કેપ) વિસ્તારના ૮૧% કરતાં વધુ ભાગમાં સ્થાનિક અને રણપ્રદેશને અનુકૂળ એવા છોડ અને વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ દેશી વનસ્પતિને લીધે સિંચાઈ માટે જરૂરી પીવાના પાણીના વપરાશમાં મોટો ઘટાડો થયો છે અને પ્રદેશની નાજુક ઇકોસિસ્ટમ તેમજ જૈવવિવિધતાને મજબૂતી મળી છે.

જળ સંરક્ષણ ક્ષેત્રે અદ્ભુત કામગીરી કરતા ઇવોક ધોળાવીરાએ રિસોર્ટમાં જનરેટ થતા ગંદા પાણી શુદ્ધ કરવા માટે અત્યાધુનિક સિસ્ટમ લગાવી છે. રિસોર્ટ તેના ટ્રીટેડ વેસ્ટવોટરનો આશરે ૯૦% જેટલો પુનઃવપરાશ (Reuse) ફ્લશિંગ અને બાગકામમાં કરે છે. આ સિવાય, રિસોર્ટ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે નજીકના ધોળાવીરા ગામના નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાતોને પણ સપોર્ટ પૂરો પાડે છે.

સ્થાનિક રોજગારી અને ૧૦૦% લોકલ પ્રોક્યોરમેન્ટ

ઇવોક ધોળાવીરા સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે રિસોર્ટમાં વપરાતા ૧૦૦% શાકભાજી અને ફળો સ્થાનિક વિક્રેતાઓ પાસેથી જ ખરીદે છે. આ કમ્યુનિટી-સેન્ટ્રિક અભિગમને કારણે ટ્રાન્સપોર્ટેશનને લીધે થતું કાર્બન ઉત્સર્જન ઘટે છે અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળે છે. આ ઉપરાંત, રિસોર્ટમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવા માટે ઇકો-ફ્રેન્ડલી હાઉસકીપિંગ કેમિકલ્સ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્લાનનો ઉપયોગ કરવામાં આવે છે.

CII-IGBC ના નેશનલ ચેરમેન સી. શેખર રેડ્ડી અને ઇવોક ધોળાવીરાના જનરલ મેનેજર દેબબ્રત રોયે આ સિદ્ધિ બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સર્ટિફિકેશન (જે ૨૦૨૬ થી ૨૦૨૯ સુધીના ત્રણ વર્ષ માટે માન્ય છે) એ સાબિત કરે છે કે પ્રવાસન ઉદ્યોગ પર્યાવરણીય સંતુલન, હેરિટેજ જાળવણી અને મહેમાનોની સુવિધા વચ્ચે કેવી રીતે ઉત્તમ સંતુલન જાળવી શકે છે.