અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ખાસ બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું.. જે ગુજરાતના જાણીતા રાજનીતિજ્ઞ અને સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રસિકલાલ યુ. પરીખના જીવન અને વારસાને ઉજાગર કરે છે. આ પ્રદર્શન ‘એ વિઝનરી સ્ટેટ્સમેનઃ ધી પબ્લિક લાઇફ ઑફ રસિકલાલ યુ. પરીખ’ નામે યોજાયું છે. જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ, વિદ્વાનો અને નાગરિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રોજેક્ટ નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ઇન્ટર્ન રાજ પટેલ દ્વારા તેમના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવ્યું છે. જેને તેમણે પરીખ પરિવારના સહયોગથી તૈયાર કર્યું છે. રસિકલાલ પરીખની 116મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રાષ્ટ્ર નિર્માણ, જમીન સુધારણા અને શાસન વ્યવસ્થામાં તેમના વિસરાઈ ગયેલા યોગદાનને આર્કાઇવલ સામગ્રી દ્વારા લોકો સમક્ષ લાવવાનો છે.

પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓ:
પાંચ વિષયગત વિભાગોમાં રસિકલાલ પરીખની આઝાદીની લડતથી લઈને શાસન વ્યવસ્થા સુધીની સફર.
દેશી રજવાડાઓ અને જૂનાગઢનું વિલીનીકરણ, આરઝી હકૂમત અને સૌરાષ્ટ્રના જમીન સુધારણામાં તેમનું વહીવટી પ્રદાન.
પરંપરાગત પ્રદર્શનથી અલગ, સંશોધન અને દસ્તાવેજીકરણ પર આધારિત વાંચન કેન્દ્રિત અનુભવ.
રસિકલાલ પરીખના પૌત્રી ગૌરી વેગેનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રદર્શન ગુજરાતના રાજકીય ઇતિહાસના એક મહત્વના પ્રકરણને સાચવવાનું કામ કરશે. ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ રસિકલાલ પરીખના જાહેર જીવન, કાર્યનીતિ અને શાસનમાં તેમના અતુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.






