તેહરાન/હોર્મુઝની ખાડી: વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz)માંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં બે ઓઈલ ટેન્કરો દરિયામાં રહેલી સુરંગો (Mines) સાથે અથડાવાને કારણે થયેલા શક્તિશાળી વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યા છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે ખળભળાટ મચી ગયો છે અને વૈશ્વિક સ્તરે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, આ વિસ્ફોટો એટલા ભયાનક હતા કે તેના અવાજ દૂર સુધી સાંભળવા મળ્યા હતા. વિસ્ફોટની ઝપેટમાં આવેલા ઓઈલ ટેન્કરોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વના આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ક્રૂડ ઓઈલના પરિવહન અને વૈશ્વિક ઈંધણની આપૂર્તિ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ વિસ્તારમાં દરિયાઈ માર્ગે સુરંગો કોણે બિછાવી છે અને આ હુમલા પાછળ કોનો હાથ છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી વ્યસ્ત પેટ્રોલિયમ પરિવહન માર્ગો પૈકી એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને ભૌગોલિક રાજકીય તણાવમાં મોટો ઉછાળो આવવાની પૂરી સંભાવના છે, જેના પર વૈશ્વિક નેતાઓની નજર ટકેલી છે.






