હજુ 4 દિવસની કમોસમી વરસાદની આગાહી !

રાજ્યમાં છેલ્લા સપ્તાહથી કમોસમી વરસાદને લીધે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠયા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજૂઆગામી 4 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યના કૃષિમંત્રી દ્વારા એક દિવસ અગાઉ કમોસમી વરસાદને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું કે સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે અને ખેડૂતને થયેલા નુકસાનને જલ્દીથી વળતર ચૂકવવા માંગે છે, ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ગયા સપ્તાહમાં એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર 2-4 દિવસમાં ખેડૂતોને થયેલા નુક્સાનનું વળતર ચૂકવશે પણ હજુ સુધી ખેડૂત તે વળતરની રાહ જોઈ બેઠો છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સતત કમોસમી વરસાદની આગાહી થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે ત્યારે રાજ્યના ખેડૂતો હાલ બિચારા બની આ દુખ સહન કરી રહ્યા છે.