વિશ્વમાં ખાદ્ય સંકટનો ભયઃ યુદ્ધને કારણે ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને પહોંચશે

143

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વ માટે એક ચિંતાજનક સમાચાર છે. વિશ્વની ત્રણ મોટી સંસ્થાઓ — આંતરરાષ્ટ્રીય મુદ્રા નિધિ (IMF), વર્લ્ડ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ —એ સંયુક્ત નિવેદન જાહેર કરીને ગંભીર ચેતવણી આપી છે. આ સંસ્થાઓનું કહેવું છે કે ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં સર્જાયેલી ઊથલપાથલની ખૂબ જ ખતરનાક અસર હવે વિશ્વની ખાદ્ય સુરક્ષા પર પડશે.

ઊર્જા બજારમાં ભારે ઊથલપાથલ

ત્રણે સંસ્થાઓના વડાઓએ બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠક બાદ જણાવ્યું હતું કે આ યુદ્ધ આધુનિક ઇતિહાસમાં ઊર્જા બજારો માટેના સૌથી મોટા વિક્ષેપોમાંનું એક સાબિત થઈ શકે છે. તેલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા તેજ વધારાને કારણે માત્ર પરિવહન ખર્ચ જ વધ્યો નથી, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન પર અસર પડી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્ય ઉત્પાદન પર અસર અને વધતા ભાવોને કારણે ખેતીનો ખર્ચ વધી ગયો છે, જેને કારણે ભવિષ્યમાં અનાજના ઉત્પાદન અને ઉપલબ્ધતા પર સંકટ ઊભું થવાની શક્યતા છે.

ગરીબ અને નીચી આવક ધરાવતા દેશો પર સૌથી વધુ અસર

આ નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધતી કિંમતોનો સૌથી મોટો ફટકો વિશ્વની સૌથી નબળી વસ્તી અને આયાત પર આધારિત દેશોને પડશે. ઘણા નીચી આવક ધરાવતા દેશો પહેલેથી જ ભારે દેવાંના બોજ હેઠળ છે. આવી સ્થિતિમાં ઇંધણ અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ સરકારોની પોતાના ગરીબ નાગરિકોને સબસિડી અથવા સુરક્ષા આપવા માટેની ક્ષમતા ઘટાડશે. આયાત આધારિત દેશોમાં ખાદ્ય અસુરક્ષા અને ભૂખમરાનું જોખમ વધ્યું છે.

હજુ ખતરો ટળ્યો નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ IMF અને વર્લ્ડ બેંકના મત મુજબ ખતરો હજી સમાપ્ત થયો નથી. ત્રણે સંસ્થાઓએ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત લોકોને મદદ કરવાની ખાતરી આપી છે. તેઓ સંકટગ્રસ્ત અર્થતંત્રોને સ્થિરતા અને વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે જરૂરી માળખાકીય તૈયારી પર કામ કરી રહ્યા છે.