અલ નિનોને લીધે અનેક દેશોમાં મોંઘવારી,અશાંતિની આશંકા

નવી દિલ્હીઃ એશિયામાં ખરાબ હવામાન અને યુદ્ધની બેવડી અસરને કારણે ખાદ્ય સુરક્ષા પર દબાણ વધવાની આશંકા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો અને ઉપલબ્ધતાનું સંકટ વધુ ગંભીર બને અને સરકારો તેનો સામનો કરવામાં અસરકારક સાબિત ન થાય, તો ભારત, ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ જેવા સંવેદનશીલ દેશોમાં સામાજિક અશાંતિ અને રાજકીય અસ્થિરતાનું જોખમ વધી શકે છે.

યુદ્ધ અને હવામાનને કારણે મુશ્કેલી વધી

એશિયાના કૃષિ ક્ષેત્ર પર પહેલેથી જ યુદ્ધની અસર પડી રહી છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈંધણ અને ખાતરની સપ્લાય પ્રભાવિત થઈ છે. ખેતી માટે બંને ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ છે. એ સાથે જ મજબૂત અલ નિનો સાથે જોડાયેલી હવામાનની આત્યંતિક સ્થિતિ પણ પાક માટે જોખમ વધારી રહી છે.

પામ ઓઈલનું ઉત્પાદન પ્રભાવિત

વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઇન્ડોનેશિયામાં મોટા પાયે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને તેની અસર પામ ઓઈલના પાક તથા લણણી પર પડી રહી છે. આવી સ્થિતિમાં પામ ઓઈલનું ઉત્પાદન પ્રભાવિત થવાથી કિંમતો પર દબાણ વધી શકે છે.

થાઈલેન્ડમાં ખાંડના ઉત્પાદન પર અસર

થાઈલેન્ડમાં પણ હવામાન અને વધતા ખર્ચને કારણે કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ વધી છે. દેશમાં ખાંડના પાકમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કયા દેશોમાં વધુ જોખમ?

અહેવાલ અનુસાર ભારત, બાંગ્લાદેશ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા એવા દેશોમાં સામેલ છે જ્યાં ખાદ્ય સુરક્ષા અને નાગરિક અશાંતિ બંનેનું જોખમ વધુ છે. આ દેશોમાં તાજેતરના અઠવાડિયાઓમાં વિરોધ-પ્રદર્શન પણ જોવા મળ્યાં છે.

અફઘાનિસ્તાન અને મ્યાનમાર માટે માનવીય સંકટનો ખતરો

સંઘર્ષનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશોમાં ખાદ્ય પુરવઠાને લાગતો મોટો આંચકો સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. અહેવાલ મુજબ અહીં ખાદ્ય સંકટ માનવીય આપત્તિના જોખમને વધારી શકે છે.

અલ નિનો વધુ મજબૂત થવાનો ખતરો

પૃથ્વીનું તાપમાન ફરી એક વખત એવા સ્તરે પહોંચી ગયું છે, જેને લઈને વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે. ઓગસ્ટ, 2026માં વિશ્વનું સરેરાશ સપાટી તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાંના સ્તર એટલે કે 1850-1900ના સરેરાશ કરતાં 1.65°C વધુ રહ્યું. નવેમ્બર 2025 પછી આ પહેલો મહિનો છે જ્યારે વૈશ્વિક તાપમાન આ મહિનાના સ્તરે 1.5°Cથી ઉપર ગયું છે.