નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં બુધવારે ભીષણ આગ લાગતાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, એમ અધિકારીઓએ આ માહિતી આપી છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લેમન ગ્રીન રેસ્ટોરાં’ના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સવારે અંદાજે 8:50 વાગ્યે આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ દુર્ઘટનાના સાક્ષી શેર ખાને જણાવ્યું હતું કે હું સવારે દુકાન પર જઈ રહ્યો હતો ત્યારે આગ ઓછી હતી, પરંતુ પછી તે સતત ફેલાતી ગઈ. આગ વધી જતાં લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. લોકોએ નીચે ગાદલા પાથર્યા હતા, ત્યાર બાદ એક મહિલા પોતાના નાનકડા બાળક સાથે ત્રીજા માળેથી કૂદી પડી. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તે મહિલા સતત કહી રહી હતી કે તેનો પગ તૂટી ગયો છે.
#BreakingNews | At least 18 dead and several others injured after a fire broke out at Lemon Green Restaurant in Malviya Nagar. Ten fire tenders were deployed, and rescue operations are underway as authorities continue to assess the situation.#Delhi #MalviyaNagarFire… pic.twitter.com/PF2kTpLUoD
— DD News (@DDNewslive) June 3, 2026
તેમણે વધુમાં જણાવ્યું, ઘણા લોકો ઉપરથી કૂદ્યા હતા. લોકોને બચાવવાના ઘણા પ્રયાસો થયા, પરંતુ આગ સતત વિકરાળ બનતી ગઈ. ફાયર વિભાગના અધિકારી એ.કે. મલિકે જણાવ્યું હતું કે અગ્નિશામક વિભાગને સવારે 8:50 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં સાત ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યાં હતાં. બાદમાં વધુ વાહનો પણ મોકલાયાં અને તમામ જરૂરી યુનિટ્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ ઇમારતમાંથી 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ ભીષણ અગ્નિકાંડ પર ઘેરા દુઃખ વ્યક્ત કર્યું હતું.સોશિયલ મિડિયા પર તેમણે સંવેદના વ્યક્ત કર્યું હતું કે દિલ્હીના માલવીયનગરમાં આગ લાગવાની ઘટનાને કારણે લોકોનાં મોત અત્યંત દુઃખદ છે. મારી સંવેદના એ પરિવારો સાથે છે, જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે.






