ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગઃ 50 લોકોનાં મોત

બગદાદ: ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગ્યાની માહિતી મળી છે. ઇરાકના પૂર્વ શહેર કુત (Kut)ના એક શોપિંગ મોલમાં મોટી આગ ભભૂકી છે. આ આગમાં લગભગ 50 લોકોનાં મોત થયાં હોવાની તથા અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ મિયાહીએ સરકારી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે એક મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં મોત અને ઇજા પામેલા લોકોની સંખ્યા લગભગ 50 સુધી પહોંચી છે.

આ હાઇપર મોલમાં બુધવારની મધ્ય રાત પછી આગ લાગી હતી, પણ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, એમ ગવર્નર મિયાહીએ આ માહિતી આપી છે. કુત શહેર બગદાદથી આશરે 160 કિ.મી. દક્ષિણ-પૂર્વ તરફ આવેલું છે. ત્યાંની હોસ્પિટલોમાં સવારે 4 વાગ્યા સુધી એમ્બ્યુલન્સ ઘાયલ લોકોને લાવતી રહી હતી, જેને કારણે હોસ્પિટલના બેડ ભરાઈ ગયા હતા.

આ મોલ માત્ર પાંચ દિવસ પહેલાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આગની શરૂઆત પહેલા માળ પરથી થઈ હતી. એક પત્રકારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં બળીને ભસ્મ થયેલા મૃતદેહો દેખાયા હતા. ગવર્નર મિયાહીએ ઘટનાને પગલે આ પ્રાંતમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે તથા કહ્યું છે કે સ્થાનિક વહીવટ મોલ અને ઇમારતના માલિક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

ઇરાકના સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ આ ભયાનક આગમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા છે. પ્રાપ્ત થયેલા વિડિયોઝ પરથી આગની ભયાનકતા સહેજે અંદાજી શકાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ આગ ખૂબ જ બેકાબૂ બની ગઈ છે. મોલ અને તેની આસપાસના વિસ્તારમાંથી લોકોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે. લોકોમાં ભારે ભયનો માહોલ છે.