નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના મુખ્ય સુરક્ષા અધિકારીની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે કોંગ્રેસના લોકસભા સાંસદ અને JNUના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇઝમ સામે FIR નોંધાવી છે. આ કેસ 11 ઓક્ટોબર, 2026એ વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની જાતીય સતામણી અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.

કઈ કલમો હેઠળ FIR નોંધાઈ?
પોલીસના જણાવ્યાનુસાર આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75, 75(1) (i), 75(1) (iv) અને 79 હેઠળ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને FIRની વિગતોને આધારે પોલીસ હાલમાં આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. BNSની કલમ 75 જાતીય સતામણી સાથે સંબંધિત છે. તેના હેઠળ અનિચ્છનીય શારીરિક સંપર્ક અથવા જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ, જાતીય લાભની માગણી, મહિલાની ઇચ્છા વિરુદ્ધ અશ્લીલ સામગ્રી બતાવવી અને જાતીય સંકેત ધરાવતી ટિપ્પણીઓ કરવા જેવાં કૃત્યોનો સમાવેશ થાય છે. જ્યારે કલમ 79 મહિલાની ગરિમાનું અપમાન કરવાના ઇરાદાથી શબ્દો, ઇશારા અથવા અન્ય કોઈ કૃત્ય કરવા સાથે સંબંધિત છે.
Delhi Police have registered an FIR at Vasant Kunj North Police Station on October 11, 2026, based on a complaint by Jawaharlal Nehru University’s Chief Security Officer. The FIR names Congress MP and JNU professor Angomcha Bimol Akoijam and invokes Sections 75, 75(1)(i), 75(1)(iv) and 79 of the Bharatiya Nyaya Sanhita (BNS). The investigation is underway: Delhi Police
— IANS (@ians_india) October 12, 2026
જાતીય સતામણીના આરોપો વચ્ચે કાર્યવાહી
અકોઇઝમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ કાર્યવાહી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર JNUની 11 વિદ્યાર્થિનીઓ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની આંતરિક તપાસ બાદ શુક્રવારે તેમને JNUમાં પ્રોફેસરના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. અકોઇઝમ લોકસભામાં મણિપુરની ઇનર મણિપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે FIRમાં નોંધાયેલા આરોપો અંગે પોલીસે હાલ વિસ્તૃત માહિતી આપી નથી. આ મામલે તપાસ ચાલુ છે અને આરોપોની પુષ્ટિ તપાસનાં તારણો સામે આવ્યા બાદ જ થઈ શકશે.




