ભડકાઉ નિવેદન મુદ્દે TMCપ્રમુખ મમતા બેનર્જી વિરુદ્ધ FIR

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને TMCનાં અધ્યક્ષ મમતા બેનરજી વિરુદ્ધ લગભગ બે મહિના જૂના ‘હેટ સ્પીચ’ સંબંધિત મામલે FIR નોંધવામાં આવી છે. કોલકાતા પોલીસે તેમના કથિત નફરત ફેલાવતા ભાષણને લઈને આ કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં કોલકાતામાં એક વિરોધ પ્રદર્શનના મંચ પરથી કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવાનો આરોપ છે. ફરિયાદીનો આરોપ છે કે મમતા બેનર્જીની આ ટિપ્પણીઓથી સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન મળ્યું હતું. આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196(1), 351(2) અને 352 હેઠળ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અહેવાલો મુજબ પોલીસે પ્રથમ ‘ઝીરો FIR’ નોંધ્યા બાદ કેસ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કર્યો છે.એક વેપારીએ કરી હતી ફરિયાદ, જે બાદમાં FIRમાં ફેરવાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર મમતા બેનર્જી વિરુદ્ધ એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેને બાદમાં FIRમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ મામલો નવ માર્ચનો છે. તે દિવસે કોલકાતાના એસ્પ્લાનેડ વિસ્તારમાં ધર્મ મંચ પર એક કાર્યક્રમ યોજાયો હતો. આ સ્થળ મેટ્રો આઉટપોસ્ટની સામે આવેલું છે. કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ ભાષણ આપ્યું હતું. આરોપ છે કે તેમનું ભાષણ ઉશ્કેરણીજનક હતું અને તેનાથી સમાજમાં અશાંતિ ફેલાઈ હતી. ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ તુષાર કાંતિ દાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ કલમો હેઠળ નોંધાયો કેસ

મમતા બેનર્જી વિરુદ્ધ BNS-2023ની ત્રણ કલમો હેઠળ કેસ નોંધાયો છે. કલમ 196 (1) ધર્મ, જાતિ અથવા ભાષાને આધારે દુશ્મનાવટ અને નફરત ફેલાવવાના આરોપો સાથે સંબંધિત છે. ઉપરાંત આ મામલામાં આક્ષેપિત ગુનાહિત ધમકી સંબંધિત જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કલમ 352 જાણીબૂજીને ઉશ્કેરણી અને ઉશ્કેરક વર્તન સાથે સંબંધિત છે. આ જ કલમો હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન

વિરોધ પ્રદર્શનના મંચ પરથી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે છીએ, એટલે તમે બધા સુરક્ષિત છો. જો અમે અહીં ન હોત, તો જ્યારે કોઈ ખાસ સમુદાયનું જૂથ તમને ઘેરી લે, તેઓ તમને એક સેકન્ડમાં ખતમ કરી દે.