હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવેલા અને એડિટ કરેલા (Morphed) વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મેટા ઈન્ડિયા (Meta India)ના વડા અરુણ શ્રીનિવાસ અને કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટા-માલિકી ધરાવતા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ભ્રામક અને બનાવટી વિડીયો ફેલાવવામાં આવ્યા હતા. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ (IT Act)ની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ આ AI વિડીયોનો મૂળ સ્ત્રોત અને તેને રોકવા માટે મેટાની સુરક્ષા સિસ્ટમ કેટલી અસરકારક હતી તેની તપાસ કરી રહી છે.
જંતર મંતર પ્રદર્શન દરમિયાન ટિપ્પણી બદલ મહિલા સામે ‘ઝીરો FIR’
બીજી બાજુ, દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક મહિલા સામે પણ ‘ઝીરો FIR’ નોંધવામાં આવી છે.
ગૌતમ બુદ્ધ નગરના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં નોઇડાની રહેવાસી રુચિકા સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૫૨ (શાંતિ ભંગ કરવાના હેતુથી અપમાન), ૩૫૩(૧) (જાહેર ઉપદ્રવ) અને ૩૫૬(૧) (બદનક્ષી) હેઠળ ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




