ચંડીગઢઃ ચંડીગઢની એક અદાલતે પોલીસને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે કોમેડિયન કુણાલ કામરા, અભિજિત દીપકે અને સોનમ વાંગચુક વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે મામલો?
આ મામલામાં એક વ્યક્તિએ અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજદારનો આરોપ છે કે દિલ્હીના જંતર-મંતર ખાતે 15 જુલાઈએ યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન કુણાલ કામરાએ હિંદુ દેવી-દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. અરજદારના જણાવ્યાનુસાર ‘કોક્રોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજિત દીપકે અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ મંચ પર હાજર હતા, પરંતુ તેમણે કામરાને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.
અરજદારના કહેવા મુજબ કુણાલ કામરાએ જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે અત્યંત અયોગ્ય હતા અને તેને કારણે હિંદુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચી છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આવાં નિવેદનો માત્ર હિંદુ ધર્મ વિરુદ્ધ જ નહીં, પરંતુ દેશની મહિલાઓના સન્માન વિરુદ્ધ પણ છે અને મહિલા સશક્તીકરણનું અપમાન કરે છે. અરજદારે દાવો કર્યો છે કે કુણાલ કામરાના નિવેદનને કારણે ધાર્મિક તણાવ ઊભો થઈ શકે છે, જેને કારણે શાંતિ અને સામાજિક સૌહાર્દને જોખમ ઊભું થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ આ નિવેદનની વિડિયો ક્લિપ વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવી હતી અને તે ચંડીગઢના SSP તેમ જ સેક્ટર-3 પોલીસ સ્ટેશનને પણ સોંપવામાં આવી હતી. છતાં અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ધાર્મિક દ્વેષ ફેલાવવાનો આરોપ
અરજદારે અદાલતને વિનંતી કરી હતી કે ચંડીગઢ પોલીસને કુણાલ કામરા, અભિજિત દીપકે અને સોનમ વાંગચુક વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવે. અરજદારનો આરોપ છે કે આ લોકોએ જાણીબૂજીને ધાર્મિક દ્વેષ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ પછી અદાલતે ચંડીગઢ પોલીસને નોટિસ જારી કરીને આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. અરજદાર વિભુ સૈનીએ વકીલ મોહિત જસૂજાના માધ્યમથી આ અરજી દાખલ કરી છે.




