અમેરિકાના નોર્થ ડાકોટામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

અમેરિકા: નોર્થ ડાકોટા (North Dakota) રાજ્યમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાજ્યની રાજધાની બિસ્માર્ક (Bismarck) ખાતે આવેલા પીસ પાર્ક (Peace Park)માં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ગાંધીજીના શાંતિ અને અહિંસાના સંદેશને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.આ અનાવરણ સમારોહમાં નોર્થ ડાકોટાના ગવર્નર કેલ્લી આર્મસ્ટ્રોંગ, ફર્સ્ટ લેડી કેર્સ્ટી આર્મસ્ટ્રોંગ, ભારતીય કોન્સ્યુલ જનરલ પ્રકાશ ગુપ્તા તેમજ ભારતીય સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમા પર અંકિત તકતી પર ગાંધીજીનો પ્રસિદ્ધ સંદેશ કોતરવામાં આવ્યો છે કે, “દુનિયા સાથે મિત્રતા રાખવી અને સમગ્ર માનવજાતને એક પરિવાર સમાન ગણવી એ જ સાચો માર્ગ છે.” સેટલ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Consulate General of India) અને સ્થાનિક સમુદાયના સહયોગથી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચે લોક-થી-લોક સંબંધોને વધુ ગાઢ બનાવશે.