આવતી કાલથી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ મહેસાણામાં

મહેસાણાઃ મહેસાણામાં નવ અને 10 ઓક્ટોબરે પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, એવી માહિતી મંગળવારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનો હેતુ રાજ્યના ઉત્તર ગુજરાતની શક્તિઓને ઉજાગર કરવાનો છે.

ઉદ્યોગ વિભાગનાં મુખ્ય સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે યુક્રેન આ રિજનલ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. તે દેશનું પ્રતિનિધિમંડળ અહીં આવી સત્રોમાં ભાગ લેશે. તેઓ ક્રિટિકલ મિનરલ્સ અને એનર્જી ક્ષેત્રમાં રસ ધરાવે છે. બે દિવસીય આ કોન્ફરન્સ મહેસાણાની ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ રાજ્ય સરકારે આયોજન કરેલી ચાર રિજનલ કોન્ફરન્સમાંથી પ્રથમ છે, જે ચાર ઝોનમાં યોજાશે. તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ની લાઇન પર છે, જેની શરૂઆત 2003માં તે વખતેના CM અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ્સ આ કોન્ફરન્સ માટે “પાર્ટનર દેશો” તરીકે જોડાયા છે, જે ઉત્તર ગુજરાત વિસ્તાર પર કેન્દ્રિત છે.

તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ઓટો અને ઓટો કોમ્પોનેન્ટ્સ, ગ્રીન એનર્જી અને એન્જિનિયરિંગ જેવાં ક્ષેત્રો પર ખાસ ધ્યાન રહેશે. આ ચાર ભાગીદાર દેશો સિવાય અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે JETRO (જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) પણ ભાગ લેશે. આ ઉપરાંત, યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ, ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બર અને રશિયન ફેડરેશનના ટ્રેડ પ્રતિનિધિઓ પણ આ કોન્ફરન્સમાં હાજર રહેશે.

અધિકારીએ જણાવ્યું હતું કે નવથી 13 ઓક્ટોબર વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં ટ્રેડ શો યોજાશે. ઉદઘાટન સમારોહ પછી B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2G (બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ) મીટિંગ્સ, એક્ઝિબિશન, ટ્રેડ શો, ક્ષેત્રવાર સેમિનાર, મોટા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન, ઉદ્યોગ પ્રવાસ, રિવર્સ બાયર-સેલર મીટ અને એવોર્ડ સમારોહ યોજાશે, એમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ જિલ્લાવાર રોકાણને પ્રોત્સાહન આપવો, સ્થાનિક પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, MSME અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવો તથા સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવવાનો છે.