કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે બપોરે એક નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ છે. ગોડાઉનના ધરાશાયી થયેલા માળખા નીચે બે ડઝનથી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે 50થી 60 મજૂરો ગોડાઉનના નિર્માણકાર્યમાં વ્યસ્ત હતા. આ ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 13 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે બચાવ કામગીરીમાં સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
સ્થળ પર હાજર પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી ઇન્દ્રનિલ ખાને જણાવ્યું હતું કે હાલ સરકારની પ્રથમ પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢવાની છે. તેમણે કહ્યું હતું કે કોલકાતા પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન દળ, ફાયર બ્રિગેડ અને સેનાની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં જોડાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ નિર્માણ ગેરકાયદે હતું.
Kolkata, West Bengal: Several people are feared trapped under the debris after a structure of a godown collapsed in the Taratala area of Kolkata. Rescue operations are underway at the spot
(Visuals from the spot) pic.twitter.com/Ql58UUmp1I
— IANS (@ians_india) June 24, 2026
ભાજપના કાર્યકરનો આક્રોશ- જવાબદારને ફાંસીની સજા મળવી જોઈએ
આ ઘટના સ્થળે હાજર એક આક્રોશિત ભાજપ કાર્યકરે કહ્યું હતું કે આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિને ફાંસીની સજા થવી જોઈએ. તેણે દાવો કર્યો કે કાટમાળ નીચેમાંથી ઓછામાં ઓછા 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અનેક લોકો ફસાયેલા છે. તેણે કહ્યું હતું કે આ ઘટનાને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. સરકારી અધિકારીઓની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. કાટમાળ નીચે દટાયેલા લોકો હજુ પણ જીવ બચાવવા માટે મદદ માટે બૂમો પાડી રહ્યા છે. અમને આશા છે કે સરકાર ગરીબોને ન્યાય અપાવશે.






