કોલકાતા: પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે થયેલા પ્રથમ તબક્કાના વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષપાતના આરોપી ગણાયેલા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં IPS અધિકારી, SDPO અને ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. આ અધિકારીઓના સસ્પેન્શનના આદેશ ચૂંટણી પંચે આપ્યા હતા. હવે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ અધિકારીઓ પર ગંભીર દુર્વ્યવહાર અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. ચૂંટણી પંચ મતદાનના દિવસે નિષ્પક્ષતા ન રાખવા અને દુર્વ્યવહાર બદલ અનેક અધિકારીઓના સસ્પેન્શન તથા અન્ય શિસ્તાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની યાદી
- સંદીપ ગરાઈ, IPS, એડિશનલ SP, ડાયમંડ હાર્બર
- સજલ મંડલ, SDPO, ડાયમંડ હાર્બર
- મોસમ ચક્રવર્તી, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશન
- અજય બાગ, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, ફાલ્ટા પોલીસ સ્ટેશન
- શુભેચ્છા બાગ, ઇન્ચાર્જ અધિકારી, ઉસ્તી પોલીસ સ્ટેશન
આ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ડાયમંડ હાર્બરની પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડો. ઈશાની પાલને ચૂંટણી જેવા સંવેદનશીલ મામલાઓમાં પોતાના હેઠળના અધિકારીઓમાં શિસ્ત અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચેતવણી આપવામાં આવી છે.
સસ્પેન્શન લિસ્ટમાં પ્રથમ નામ ASP સંદીપ ગરાઈનું
સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસ અધિકારીઓ ડાયમંડ હાર્બર વિસ્તારના છે. ચૂંટણી પંચ ઉપલબ્ધ પુરાવાઓને આધારે તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તમામ પર કથિત કૃત્યભંગ અને પક્ષપાતના આરોપ છે. સસ્પેન્ડ અધિકારીઓની યાદીમાં પ્રથમ નામ ડાયમંડ હાર્બરના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (ASP) સંદીપ ગરાઈનું છે. તેમની સામે પુરાવા સાથેનો અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી શકે છે.
ચૂંટણી દરમિયાન છૂટક અથડામણો થઈ હતી
23 એપ્રિલે બંગાળની 152 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક સ્થળોએ છૂટક અથડામણોની ઘટનાઓ સામે આવી હતી. ભાજપ ઉમેદવારો પર હુમલાના બનાવો પણ બન્યા હતા. એક ઉમેદવારને તો દોડાવીને માર મારવામાં આવ્યો હતો.




