નેપાળમાં ફરી કુદરતનો પ્રકોપ: બૂઢી ગંડક નદીમાં ભયાનક પૂર

નેપાળમાં બે મહિના અગાઉ આવેલી કુદરતી આપત્તિના ઘા હજુ રૂઝાયા પણ નથી ત્યાં ફરી એકવાર પહાડોમાંથી મોટો જળપ્રલય ઉતરી આવ્યો છે. ઉત્તરીય નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બૂઢી ગંડકી નદીમાં અચાનક વિરાટ પૂર આવતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પૂરના ધસમસતા પ્રવાહનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નદીનું પાણી આસપાસના ગ્રામીણ વિસ્તારોને ઘેરી લેતું અને ઘરો તથા પુલને વહાવી જતું સ્પષ્ટ જોઈ શકાય છે. આ હોનારતમાં 4 લોકો લાપતા થયા છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ કારણે આવી અચાનક આપત્તિ

અહેવાલો મુજબ, રવિવારે સવારે આશરે 4:00 AM વાગ્યે પૂરના પાણી ગામડાઓમાં ઘૂસવા લાગ્યા હતા, જેના કારણે લોકો પોતાના જીવ બચાવવા માટે ઊંચા પહાડી વિસ્તારો તરફ ભાગ્યા હતા. ગોરખાના મુખ્ય જિલ્લા અધિકારી ધર્મેન્દ્ર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી અનુસાર સિયુરીબાસના ઉપરી પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખલન (Landslide) થયું હતું. ચુમનુબ્રી-6 માં લોકપા અને ચુમલિંગ વચ્ચે બૂઢી ગંડકીની સહાયક નદી ‘સ્યા૨’ નો પ્રવાહ અટકાઈ જતાં ત્યાં એક વિશાળ કૃત્રિમ સરોવર બની ગયું હતું. આ સરોવર અચાનક ફાટતાં જંગી માત્રામાં પાણી તીવ્ર વેગ સાથે નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું.

ભારે સંપત્તિનું નુકસાન અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને ફટકો

ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના અધ્યક્ષ રામ કુમાર ગુરુંગના જણાવ્યા અનુસાર, બૂઢી ગંડકીના આ પૂરથી સલ્લેરી, પાચૂકા અને જગતમાં નદીકાંઠે આવેલા ડઝનબંધ મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. આ સિવાય વોર્ડને જોડતો એકમાત્ર મહત્વપૂર્ણ પુલ પણ પૂરના પાણીમાં વહી ગયો છે. સ્થાનિક ‘ગંડકી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ’ ને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને પ્રોજેક્ટના કેટલાક મોંઘા સાધનો તણાઈ ગયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઉત્તરીય ગોરખાના વિસ્તારોમાં 35 થી વધુ મકાનો સંપૂર્ણપણે તણાઈ ગયા છે.

ભોટેકોશીની વિનાશક આપત્તિની યાદ તાજી થઈ

ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકાના ઉપાધ્યક્ષ લક્ષ્મી ગુરુંગે જણાવ્યું હતું કે, રવિવારની આ ઘટનાએ તેમને તાજેતરમાં રસુવામાં ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરની યાદ અપાવી દીધી છે. તેમણે ઉમેર્યું કે, “હાલમાં નુકસાનનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે કારણ કે સંપર્ક તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 26th August ના રોજ નેપાળની ત્રિશૂલી અને ભોટેકોશી નદીઓમાં આવી જ ભયાનક પૂર આવી હતી, જેમાં આખેઆખા ગામો નકશામાંથી ગાયબ થઈ ગયા હતા. એ હોનારતમાં 1455 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે 5000 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. હવે બૂઢી ગંડકી નદીમાં આવેલી આ નવી હોનારતે નેપાળ સરકાર અને સ્થાનિક નાગરિકોની ચિંતામાં વધારો કરી દીધો છે.