નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરની સ્થિતિએ ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના લોઅર સુબનસિરી અને કેઈ પન્યોર જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયાં છે. ઘરો, ખેતી અને જરૂરી માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે, જ્યારે મુખ્ય હાઈવેનો પૂલ પણ વહી ગયો છે. હવામાન વિભાગ અનુસાર સવારે 6થી 9 વાગ્યા દરમિયાન માત્ર ત્રણ કલાકમાં જ અતિ ભારે વરસાદ પડતાં નદીઓનું જળસ્તર ઝડપથી વધી ગયું અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ક્યાં કેટલું નુકસાન થયું?
અચાનક આવેલા ભારે વરસાદને કારણે લુક્સિન ગામ અને તોરુ સર્કલ હેઠળ આવેલા યિયી-1 અને યિયી-2 ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર સવારે લગભગ 6:30 વાગ્યા બાદ જ પૂરનું પાણી ઘરોમાં ઘૂસી ગયું અને ખેતરોમાં પ્રસર્યું હતું
પ્રાથમિક નુકસાનના અંદાજ મુજબ લુક્સિન ગામમાં દુખુમ સહિત અનેક લોકોનાં મકાનો અને અન્ય ઇમારતોને નુકસાન થયું છે. અનાનસ, કેળાં અને સંતરાના બાગો સહિત બાગાયતી અને કૃષિ પાકોને પણ ભારે અસર પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વિગતવાર અહેવાલ હજુ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યિયી ગામ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનું એક રહ્યું હતું, જ્યાં પૂરનું પાણી વસાહતના મોટા ભાગમાં ફરી વળ્યું હતું. સ્થાનિક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નજીકનાં મકાનોમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

વાદળ ફાટ્યા જેવી ભારે વરસાદી પરિસ્થિતિથી પૂર
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અચાનક પૂર ઘણા દિવસોની સતત વરસાદી પરિસ્થિતિને કારણે નહીં, પરંતુ વાદળ ફાટ્યા જેવી ટૂંકા ગાળાની અત્યંત ભારે વરસાદી ઘટનાને કારણે આવ્યું છે. પૂર્વી હિમાલયના પર્વતીય અને ઊબડખાબડ વિસ્તારોમાં ઓછા સમયમાં ખૂબ જ વધુ વરસાદ પડતાં પાણી ઝડપથી ઢોળાવ પરથી નાળાઓ અને નદીઓમાં વહી જાય છે, જેને કારણે અચાનક પૂર આવી શકે છે, ભલે સમગ્ર દિવસનો કુલ વરસાદ બહુ વધારે ન હોય. હવામાન વિભાગે (IMD)એ ચેતવણી આપી છે કે જમીન પહેલેથી જ ભીની અને પાણીથી સંતૃપ્ત હોવાથી, નદીઓમાં વધતા જળસ્તર અને સતત સક્રિય રહેલા ચોમાસાને કારણે આગામી દિવસોમાં અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ યથાવત્ રહી શકે છે.






