ગાંધીનગર: આઝાદ ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરની શુક્રવારે ૧૩૮મી જન્મ જયંતી હતી. જે નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે ગરિમાપૂર્ણ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. લોકહૃદયમાં તેઓ ‘માવળંકરદાદા’ના હેતાળ નામથી પ્રતિષ્ઠિત હતા. વિધાનસભા પોડિયમ ખાતે રાખવામાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ સી.બી. પંડ્યા દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે ગાંધીનગરની સફલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિ
ત રહીને જી. વી. માવળંકરના તૈલચિત્રને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામ અને સંસદીય પ્રણાલિકામાં અમૂલ્ય યોગદાન
ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ ૨૭મી નવેમ્બર, ૧૮૮૮ના રોજ વડોદરા ખાતે થયો હતો. વર્ષ ૧૯૧૩માં વકીલાતની કારકિર્દી શરૂ કર્યા બાદ તેઓ ૧૯૧૪માં સરદાર વલ્લભભાઈ પટેલ અને ૧૯૧૬માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવી દેશના મુક્તિસંગ્રામમાં જોડાયા હતા. ખેડા સત્યાગ્રહ અને વ્યક્તિગત સત્યાગ્રહ જેવી લડતોમાં સક્રિય ભાગ લેવા બદલ તેમણે કુલ ૩૩ મહિનાનો કારાવાસ પણ ભોગવ્યો હતો.
ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં આદર્શ પ્રણાલિકાઓ સ્થાપિત કરવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેઓ વર્ષ ૧૯૩૭-૪૬ અને ૧૯૪૭-૫૨ દરમિયાન મુંબઈ ધારાસભાના પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ આઝાદ ભારતની પ્રથમ સંસદ અને ૧૯૫૨-૫૬ દરમિયાન લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે તેમણે ગૌરવપૂર્ણ સેવાઓ આપી હતી. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૫૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.




