IDBIના વેચાણ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતાં FMનો પલટવાર

નવી દિલ્હીઃ IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટ મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ તેજ બન્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ અને અગાઉની UPA સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે તેમણે બેંકો અને નાણાકીય સંસ્થાઓનો ઉપયોગ પોતાની ‘વ્યક્તિગત સંપત્તિ’ની જેમ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે UPAના શાસન દરમિયાન બેંક કર્મચારીઓ પર રાજકીય દબાણ લાવીને નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે લોનનું વિતરણ કરવામાં આવતું હતું, જેને કારણે આ સંસ્થાઓની સ્થિતિ કથળી ગઈ હતી.

રાહુલ ગાંધીના આરોપો પર સીતારામનનો જવાબ

રાહુલ ગાંધીએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો રાષ્ટ્રનિર્માણનાં સાધનો છે, વેચવા માટેની કોઈ સંપત્તિ નથી. તેમણે IDBI બેંકને કેનેડાની કંપની ‘ફેરફેક્સ’ (Fairfax)ને વેચવાના સરકારના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. તેના જવાબમાં સીતારામને કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા છે.

UPAના સમયની ‘ફોન બેંકિંગ’ સંસ્કૃતિ પર પ્રહાર

નાણાં મંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન શક્તિશાળી લોકો માટે ‘ફોન બુક’ એટલે કે ફોન કરીને લોન મેળવવાની વ્યવસ્થા હતી, જ્યારે સામાન્ય નાગરિકો માટે ‘રૂલ બુક’ હતી. હવે બેંકિંગ ક્ષેત્રમાં ‘સંબંધો અને સેટિંગ’નો એ યુગ પૂરો થઈ ગયો છે.

IDBI બેંકની કથળેલી સ્થિતિથી નફા સુધીની સફર

નાણાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે NDA સરકાર સત્તામાં આવી ત્યારે IDBI બેંકની સ્થિતિ અત્યંત ખરાબ હતી. કોંગ્રેસના શાસન દરમિયાન આ બેંકને વિડિયોકોન, વિન્સમ, ABG શિપયાર્ડ અને કિંગફિશર જેવા મોટાં વેપારી જૂથોને લોન આપવા માટે મજબૂર કરવામાં આવી હતી, જેમના કોંગ્રેસના નેતાઓ સાથે નજીકના સંબંધો હતા. આવાં દબાણોને કારણે IDBI બેંકને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. વર્તમાન સરકારે બેંકમાં રૂ. 25,000 કરોડથી વધુની મૂડી ઠાલવી અને વ્યાવસાયિક મેનેજમેન્ટ લાવીને તેને ફરીથી નફાકારક બનાવી છે.

શું છે IDBI બેંકના શેરવેચાણનું ગણિત?

સરકારે 14 ઓક્ટોબરે IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ સોદો કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ સાથે આશરે રૂ. 53,000 કરોડ (5.5 અબજ ડોલર)માં નક્કી થયો છે. આ સોદા હેઠળ સરકાર પોતાનો 30.48 ટકા અને LIC પોતાનો 30.24 ટકા હિસ્સો વેચશે. ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં ખાનગીકરણની દિશામાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ હશે.