નવી દિલ્હી: રાજધાનીમાં સવારે 7:40 વાગ્યાની આસપાસ ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ પર ધુમ્મસનું પાતળું પડ છવાઈ ગયું. અહીં વિઝિબિલિટી ઓછી રહી અને હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) 350ની આસપાસ રહ્યો. જે ખૂબ જ ખરાબ સ્થિતિ દર્શાવે છે. વહેલી સવારે, ITO ખાતે ફૂટઓવરબ્રિજ પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ, AQI ફરી એકવાર 350ની નજીક પહોંચ્યો. જે મધ્ય દિલ્હીમાં મુસાફરો માટે ખતરનાક સ્થિતિ પર ભાર મૂકે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એકંદર AQI 337 રહ્યો. જે મંગળવારથી માત્ર થોડો સુધારો દર્શાવે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 39 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, 34માં ‘ખૂબ જ ખરાબ’ હવાની ગુણવત્તા નોંધાઈ. જ્યારે પાંચમાં ‘ખરાબ’ શ્રેણીમાં પ્રદૂષણ સ્તર નોંધાયું.
દિવસની શરૂઆતમાં ઘણા ઉચ્ચ-તીવ્રતાવાળા પ્રદૂષણ હોટસ્પોટ ઝેરી હવા હેઠળ રહ્યા. સવારે 7 વાગ્યે, રોહિણીમાં AQI 376 નોંધાયો હતો. જ્યારે અન્ય ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોમાં દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી (367), આનંદ વિહાર (364), બાવાના (382), અશોક વિહાર (364), બુરાડી (347), અલીપુર (344), ITO (360) અને દ્વારકા (361)નો સમાવેશ થાય છે – આ બધા ખૂબ જ ખરાબ રેન્જમાં છે.
વિશાળ NCR ક્ષેત્રમાં, નોઈડામાં પણ સતત પ્રદૂષિત હવાનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય સ્ટેશનોએ ખૂબ જ ખરાબ હવાની ગુણવત્તા નોંધાવી હતી. જેમાં સેક્ટર 1 (355), સેક્ટર 62 (304), સેક્ટર 116 (372) અને સેક્ટર 125 (399)નો સમાવેશ થાય છે, જે ‘ગંભીર’ શ્રેણીની નજીક છે.
દિલ્હી માટે હવા ગુણવત્તા પ્રારંભિક ચેતવણી પ્રણાલીએ આગાહી કરી છે કે 26 થી 28 નવેમ્બર સુધી પ્રદૂષણ ખૂબ જ ખરાબ રેન્જમાં રહેવાની ધારણા છે. જેમાં આગામી છ દિવસમાં પરિસ્થિતિ ગંભીર અને ખૂબ જ ખરાબ શ્રેણી વચ્ચે વધઘટ થવાની સંભાવના છે.
ઐતિહાસિક CPCB ડેટા દર્શાવે છે કે દિલ્હીનો સરેરાશ AQI છેલ્લા અઠવાડિયામાં સતત જોખમી રહ્યો છે: 391 (રવિવાર), 370 (શનિવાર), 374 (શુક્રવાર), 391 (ગુરુવાર), 392 (બુધવાર), 374 (મંગળવાર) અને 351 (સોમવાર).
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે, જેમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ (મહત્તમ) અને 9 ડિગ્રી સેલ્સિયસ (લઘુત્તમ) ની આસપાસ રહેવાની સંભાવના છે.




