બિહાર ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં લોકગાયિકા મૈથિલી ઠાકુર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખ જાહેર થતાં જ રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં ચૂંટણીના ગરમાટા વચ્ચે લોકગાયિકા મૈથિલી ઠાકુરે ભાજપનું સભ્યપદ લીધું છે. ભાજપ મૈથિલીને અલીનગર બેઠક પરથી ટિકિટ આપીને મેદાનમાં ઉતારી શકે છે. બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જ્યસ્વાલે પટનામાં મૈથિલીને પાર્ટીની સભ્યતા અપાવી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં નવા ચહેરા જોડાવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. આ જ કડીમાં મંગળવારે લોકગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાયાં છે. તેમને દરભંગાની અલીનગર બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે. અલીનગર બેઠકના હાલના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનો ટિકિટ કાપવાનું લગભગ નક્કી થઈ ગયું છે અને પાર્ટી આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો લાવવાના મૂડમાં છે. મૈથિલી ઠાકુરની સોશિયલ મિડિયા પર મોટી ફેન ફોલોઇંગ અને મિથિલા ક્ષેત્રમાં લોકપ્રિયતા જોતાં ભાજપ તેમને પોતાના પ્રચાર અભિયાનનું ચહેરો પણ બનાવી શકે છે.જો મૈથિલી ઠાકુરને ટિકિટ મળે છે, તો આ પહેલી વાર હશે જ્યારે બિહારની લોકસંસ્કૃતિ સાથે જોડાયેલી કોઈ પ્રસિદ્ધ ગાયિકા સીધા રાજકીય મેદાનમાં ઊતરશે.

હાલમાં વિનોદ તાવડે સાથે કરી હતી મુલાકાતમૈથિલીએ તાજેતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સંગઠન મહાસચિવ વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી, જેના બાદ તેમના પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ હતી.

મૈથિલી શું બોલ્યાં?

મૈથિલીએ કહ્યું હતું કે અમે NDAના સમર્થનમાં છીએ અને હંમેશા ભાજપ મારી પ્રાથમિકતા રહી છે. હું દિલ્હીમાં કામ માટે રહું છું, પણ મારો આત્મા બિહાર સાથે જોડાયેલો છે. બિહારમાં રહીને લોકોની સેવા કરવી છે અને વિકાસમાં યોગદાન આપવું છે.