ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં આજે એક અત્યંત લોકપ્રિય નામ ઝળક્યું છે. લોકગાયિકા રાજલ બારોટે રાજકારણના મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી કરતા વોર્ડ નંબર 7 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવ્યો છે. રાજલ બારોટે 2313 મતોની જંગી સરસાઈ સાથે વિરોધી ઉમેદવારોને પરાજય આપીને કેસરીયો લહેરાવ્યો છે. લોકસંગીતના સુરોથી લાખો ગુજરાતીઓના દિલ જીતનાર રાજલ બારોટ હવે જનસેવાના માર્ગે પોતાની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજલ બારોટ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટના પુત્રી છે. પિતાના વારસાને સંગીત ક્ષેત્રે આગળ વધાર્યા બાદ તેમણે હવે જાહેર જીવનમાં ઝંપલાવ્યું છે. ઉનાની જનતાએ તેમના પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, જે આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. વર્ષ 2006 થી સંગીત ક્ષેત્રે કાર્યરત રાજલ બારોટના ‘મોગલ મા’ અને ‘દશા મા’ જેવા અનેક ભક્તિ ગીતો ઘર-ઘરમાં જાણીતા છે. હવે તેઓ સંગીતના મંચ પરથી ઉતરીને નગરપાલિકાના સદસ્ય તરીકે લોકપ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત થશે.
ચૂંટણી પરિણામો બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજલ બારોટની જીતને સાંસ્કૃતિક અને રાજકીય સમન્વય તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પોતાની જીત બાદ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે રીતે લોકોએ તેમના સંગીતને પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે તેઓ પોતાની રાજકીય જવાબદારી પણ પૂરી નિષ્ઠાથી નિભાવશે. ઉનામાં ભાજપના ક્લીન સ્વીપમાં રાજલ બારોટ જેવો સેલિબ્રિટી ચહેરો હોવો એ પક્ષ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

