નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે. આ મહિને ઇંધણના ભાવમાં વધારો થવાનો આ ત્રીજો પ્રસંગ છે. ઇરાન સંઘર્ષને કારણે કાચા તેલના વધતા ભાવથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે આ પગલું લીધું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે પછી તેની કિંમત 99.51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 91 પૈસા મોંઘું થઈ 92.49 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
દિલ્હી-એનસીઆરના લોકો પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ હવે સીએનજી (CNG) પણ મોંઘો થયો છે. દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પછી નવી કિંમત 81.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
એક મહિનામાં ત્રણ વખત વધ્યા ભાવ
આ પહેલાં પણ આ જ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. એ બીજી વખતનો વધારો હતો, જે એક અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ પહેલાં જ ઇંધણના ભાવમાં લગભગ ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઉછાળો અને પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવને કારણે આ અસર જોવા મળી રહી છે.

હકીકતમાં, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ જળસંધિ આસપાસ સપ્લાય અંગે વધતી ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ, ભાવવધારા મુદ્દે વિરોધ પક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો છે. તાજેતરના ભાવવધારા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા એ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.




