નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. એ સમયે તેમની સાથે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી, ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (UBT) નેતા સંજય રાઉત સહિત વિરોધ પક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
એ પહેલાં NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ગઈ કાલે નામાંકન દાખલ કર્યું હતું. સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં નામાંકન દાખલ કર્યું હતું. દરેક સેટમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા. બી. સુદર્શન રેડ્ડીએ નામાંકન દાખલ કરતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાનીઓ અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોણ છે બી. સુદર્શન રેડ્ડી?
બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. રેડ્ડીએ 1971માં હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નામ નોંધાવ્યું હતું. 1995માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા. 2005માં તેમને ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2007માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને 2011માં નિવૃત્ત થયા હતા. માર્ચ 2013માં જસ્ટિસ રેડ્ડી (નિવૃત્ત) ગોવાના પ્રથમ લોકાયુક્ત બન્યા, પરંતુ થોડા જ મહિનાઓ બાદ સપ્ટેમ્બરમાં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.
બુધવારે સીપી રાધાકૃષ્ણને કર્યું હતું નામાંકન
NDAના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, અર્જુન રામ મેઘવાલ, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સીપી રાધાકૃષ્ણને ચાર સેટમાં પોતાનું નામાંકન દાખલ કર્યું છે, જેમાં દરેક સેટ પર 20 પ્રસ્તાવકો અને 20 અનુમોદકોના હસ્તાક્ષર છે. પીએમ મોદી તેમના નામાંકનના મુખ્ય પ્રસ્તાવક છે.
