મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે રાત્રે ધ્વનિમતથી ધર્મની સ્વતંત્રતા વિધેયક 2026 પસાર કર્યું છે. આ ધર્માંતરણ વિરોધી બિલમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો હેતુ જબરદસ્તી, છેતરપિંડી, લાલચ આપી અથવા લગ્નના માધ્યમથી કરાતા ધર્મ પરિવર્તન પર રોક લગાવવાનો છે. આ વિધેયક મુજબ લગ્નના બહાને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરનાર લોકોને સાત વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે. જો આ મામલો સગીર, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ, મહિલા અથવા અનુસૂચિત જાતિ/જાતિ (SC/ST) સાથે સંબંધિત હશે, તો સજા વધુ કડક હશે—સાત વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ થશે.
સામૂહિક ધર્મ પરિવર્તન (એકસાથે ઘણા લોકોનું ધર્મ પરિવર્તન) માટે પણ સાત વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે. આ વિધેયક અનુસાર વારંવાર ગુનો કરનારને 10 વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થવાની શક્યતા છે.
કાયદો કોઈ ખાસ ધર્મ વિરુદ્ધ નથી
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રજૂ કરાયેલો આ ધર્માંતરણ વિરોધી કાયદો કોઈ ખાસ ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ માત્ર બળ, છેતરપિંડી અથવા લાલચથી કરાતા ધર્મ પરિવર્તનને રોકવાનો છે. તેમણે જણાવ્યું કે ઓડિશા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને ઝારખંડ સહિતનાં અનેક રાજ્યોમાં પહેલેથી જ આવા કાયદા અમલમાં છે.
તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ વિધેયક બંધારણની કલમ 25 હેઠળ મળતા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને રોકતું નથી. ધાર્મિક અધિકારમાં કોઈને જબરદસ્તી, ખોટી માહિતી કે લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર સામેલ નથી.
તેમણે જણાવ્યું હતું કે ઘણી મહિલાઓને ભોળવીને સંબંધોમાં ફસાવવામાં આવી, લગ્ન કરાવવામાં આવ્યા અને પછી છોડી દેવામાં આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે છેતરપિંડીથી કરાતા ધર્મ પરિવર્તન સામે આ વિધેયક આવા મુદ્દાઓને ઉકેલવા અને આવી પ્રથાઓ પર નિયંત્રણ લાવવા માટે બનાવવામાં આવ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે વિપક્ષી પક્ષો મતબેંકના લાભ માટે આ મુદ્દાનું રાજકીયકરણ કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ આ વિધેયકને ધ્યાનથી વાંચશે, ત્યારે તેમને કોઈ વાંધો નહીં રહે.




