AAPના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન રમખાણોના કેસમાં દોષિત જાહેર

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે શનિવારે આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020નાં દિલ્હી રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં દોષિત જાહેર કર્યા છે. જોકે કોર્ટે ભૂતપૂર્વ કાઉન્સિલરને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ સાથે કેસના અન્ય તમામ આરોપીઓને પણ નિર્દોષ છોડી મૂક્યા છે.

વર્ષ 2020નાં રમખાણો દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં આગચંપી સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટે તાહિર હુસૈનને રમખાણો ભડકાવવા બદલ દોષિત ઠેરવ્યા છે.

કોર્ટે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

કરકરડુમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ પરવીન સિંહે મોહમ્મદ શાદાબ, શાહ આલમ, રિયાસત અલી, ગુલફામ, મોહમ્મદ રેહાન, અરશદ કય્યુમ અને ઇર્શાદ અહમદ સહિત અન્ય 12 આરોપીઓને પણ તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148 અને 149 (હુલ્લડ), 427 (મિલકતને નુકસાન પહોંચાડવું અને તોડફોડ કરવી), 436 (આગ લગાવીને તોડફોડ કરવી) તથા 120બી (ગુનાહિત કાવતરું) હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે FIR નોંધવામાં આવી હતી.

કોણે ફરિયાદ નોંધાવી હતી?

ઇર્શાદ અલી નામની વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે 24 ફેબ્રુઆરી, 2020એ રમખાણો દરમિયાન તેમની દુકાનમાં લૂંટફાટ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં રૂ. 17થી 18 લાખનો માલસામાન ચોરાયો હતો અને તેમને રૂ. 10 લાખનું નુકસાન થયું હતું. અન્ય ફરિયાદી મોહમ્મદ ઝાહિદે જણાવ્યું હતું કે રમખાણકારોએ તાહિર હુસૈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તપાસ દરમિયાન બે કોન્સ્ટેબલે આ સૂત્રોચ્ચાર કરનારાઓની ઓળખ કરી હતી.

બીજી વખત દોષિત જાહેર

તાહિર હુસૈનને બીજી વખત દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલાં ન્યાયાધીશે રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં પણ તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા હતા. તે કેસમાં ભૂતપૂર્વ કાઉન્સિલરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અદાલતે તે સમયે ટિપ્પણી કરી હતી કે ગુનો ક્રૂર હતો અને હિંસક ટોળાએ પીડિતની હત્યા કરી હતી, તેમ છતાં સરકારી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે દોષિતોમાં સુધરવાની કોઈ શક્યતા નથી અથવા સજા પૂરી થયા બાદ તેમની મુક્તિથી સમાજને જોખમ ઊભું થશે.