અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચા

ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે.તાજેતરના અહેવાલો અનુસાર, વાઘેલાના કોંગ્રેસમાં પુનઃપ્રવેશ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી છે. વાઘેલા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા પહેલા નોરતે તેમના કાર્યકરો સાથે જોડાય તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.

શંકરસિંહ વાઘેલા અગાઉ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. જોકે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસથી અલગ થઈને જન વિકલ્પ મોરચો બનાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. હવે વર્ષો બાદ ફરી કોંગ્રેસ સાથે જોડાણની ચર્ચા સામે આવી છે.