ભૂતપૂર્વ ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું નિધન

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું 91 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે 6:30 વાગ્યે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને ઘરે જ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હતા.

શિવરાજ પાટીલના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છે. તમામ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શિવરાજ પાટીલ માત્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ નહોતા, પણ સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ લાતુરમાંથી સતત જીતતા રહ્યા હતા. અનેક પ્રસંગોએ તેમને કેન્દ્રીય મંત્રી બનવાનો મોકો મળ્યો હતો અને તેમણે વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી.સાલ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા દરમિયાન શિવરાજ પાટીલ દેશના ગૃહમંત્રી હતા. સુરક્ષામાં થયેલી ખામી માટે તેમને જવાબદાર માનવામાં આવ્યા અને તેમને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું. શિવરાજ પાટીલે પણ સ્વીકાર્યું હતું કે હુમલો અટકાવવા લેવામાં ક્યાંક કચાશ રહી ગઈ હતી. શિવરાજ પાટીલ કોંગ્રેસના અત્યંત અનુભવી નેતા હતા, જેમણે ઇંદિરા ગાંધીથી લઈને રાજીવ ગાંધી સુધી સાથે કામ કર્યું. તેમના ખાનગી જીવનની વાત કરીએ તો તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

1980માં તેઓ પહેલી વાર લાતુરમાંથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા અને 1999 સુધી સતત જીત મેળવતા રહ્યા. 1991થી 1996 સુધી તેમણે લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી હતી. તેમણે દેશ અને વિદેશમાં અનેક સંસદીય પરિષદોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. 2004ની લોકસભા ચૂંટણીમાં શિવરાજ પાટીલ પરાજિત થયા હતા, પરંતુ ત્યાર બાદ પણ સોનિયા ગાંધીએ તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો અને તેમની દેશના ગૃહમંત્રી તરીકે નિમણૂક કરી હતી.