પેશાવરની બેંકમાંથી ચાર કિલો સોનું, કરોડો રૂપિયાના કેશની ચોરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચોરોએ ઈદ પહેલાં, ચાંદ રાતે મોટી લૂંટ ચલાવીને પોતાને જ ઈદી આપી દીધી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની અને સૌથી મોટા શહેર પેશાવરમાં લૂંટારુઓ ઈદ-ઉલ-ફિતર પહેલાં નેશનલ બેંકની એક શાખામાં ઘૂસી ગયા અને રાતભર સુરક્ષા વ્યવસ્થાની ખામીઓનો લાભ લઈ લાખો રૂપિયાની કેશ અને અંદાજે 2.1 કરોડ રૂપિયાની જ્વેલરી ચોરી કરી લઈ ગયા, એમ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

આ ઘટના શુક્રવારે રાત્રે કોહાટ રોડ પર આવેલી નેશનલ બેંકની શાખામાં બની હતી. લૂંટારુઓ પાછળના ખુલ્લા વિસ્તારમાંથી કટર અને અન્ય સાધનોની મદદથી બેંકમાં પ્રવેશ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે રાત્રે કોઈ સુરક્ષા શિફ્ટ ન હોવાની નીતિને કારણે ત્યાં કોઈ ગાર્ડ ફરજ પર નહોતો. આનો લાભ લઈ લૂંટારુઓ બેંકમાં રહેલા 13.7 લાખ રૂપિયાની રોકડ ચોરી કરવામાં સફળ રહ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચોરોએ લોકર તોડી નાખ્યાં અને સુરક્ષા લોકરમાંથી લગભગ 400 તોલા સોનું ચોરી લીધું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટીલ કાપવા માટે ગેસ સિલિન્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોરાયેલી જ્વેલરીની કુલ કિંમત અંદાજે 2.10 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે. પોલીસે કહ્યું હતું કે શંકાસ્પદોની ઓળખ કરવા અને તેમની ધરપકડ માટે બેંક આસપાસની ઇમારતો તેમ જ શહેરના સેફ સિટી પ્રોજેક્ટ હેઠળના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના પેશાવરમાં છેલ્લા 15 દિવસમાં બનેલી બીજી મોટી બેંક લૂંટ છે. આ પહેલાં છઠ્ઠી માર્ચે પીર્બાલા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં લૂંટનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા અને બાદમાં એક પોલીસ કર્મચારીનું ઈજાઓને કારણે મોત થયું હતું.