મુંબઈમાં યોજાયો અમેરિકાની સ્વતંત્રતાનાં 250 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ

મુંબઈ: અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં ‘ફ્રીડમ 250’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર તથા વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારત અને અમેરિકા વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી મૈત્રી, પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને ઉજાગર કરવામાં આવી હતી.

આ દરમિયાન માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે,અમેરિકાની સ્વતંત્રતાનાં 250 વર્ષની ઉજવણી એ સ્વતંત્રતા અને તકોના એવા મૂલ્યોની ઉજવણી છે, જેણે અમેરિકાના રાષ્ટ્રજીવનને આકાર આપ્યો છે. ભારત સાથે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરતાં બંને દેશોની એવી ભાગીદારીને ઓળખવાની તક મળે છે, જે સહિયારી સમૃદ્ધિ, સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ ભારત અને અમેરિકા વચ્ચેની ગાઢ મૈત્રી પર ભાર મૂક્યો હતો. તેમણે પશ્ચિમ ભારતમાં પોતાના ભારતીય મિત્રો સાથે અમેરિકાની સ્વતંત્રતાનાં 250 વર્ષની ઉજવણી કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશોએ અત્યાર સુધી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે અને ભવિષ્યમાં હજી વધુ મોટી સફળતાઓ મેળવવાની અપાર સંભાવનાઓ રહેલી છે. આ ભાગીદારીમાં અનંત તકો રહેલી છે.

સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ કાર્યક્રમને બનાવ્યો વિશેષ

આ ઉજવણીના મુખ્ય આકર્ષણોમાં અમેરિકાના કોન્સ્યુલેટ જનરલના યુએસ મરીન સિક્યોરિટી ગાર્ડ ડિટેચમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઔપચારિક ધ્વજવંદન પ્રસ્તુતિ અને અમેરિકાની સાતમી નૌકાદળની જાણીતી મ્યુઝિકલ ટીમ ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’નું વિશેષ પ્રદર્શન સામેલ હતું.

આ સ્વાગત સમારંભમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, રાજદ્વારી સમુદાયના સભ્યો તથા નાગરિક સમાજના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અમેરિકાની સ્વતંત્રતાનાં ઐતિહાસિક 250 વર્ષને યાદ કરવા સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો.
વેપાર અને રોકાણથી લઈને અદ્યતન ટેક્નોલોજી તથા સુરક્ષા સુધીના ક્ષેત્રોમાં સહયોગની વધતી તકો વચ્ચે આ ઉજવણીએ બંને લોકશાહી દેશો વચ્ચેની મિત્રતા અને ભવિષ્યલક્ષી ભાગીદારીના મહત્ત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું હતું.